અમેરિકામાં ‘સેલ્ફ-ડિપોર્ટેશન’ સ્કીમ: ટ્રમ્પ વહીવટીતંત્રની નવી ઝુંબેશ: ભારત, ચીન અને કોલમ્બિયાના નાગરિકો માટે DHSની મોટી જાહેરાત
યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટી (DHS) એ બુધવારે એક અભૂતપૂર્વ ‘સેલ્ફ-ડિપોર્ટેશન’ (Self-Deportation) ઝુંબેશની જાહેરાત કરી છે. આ નવી યોજના હેઠળ અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા ભારત, ચીન અને કોલમ્બિયાના નાગરિકો જો સ્વેચ્છાએ પોતાના દેશ પરત ફરે, તો તેમને $2,600 (આશરે ₹2.17 લાખ) નું ‘એક્ઝિટ બોનસ’ અને મફત ફ્લાઇટ ટિકિટ આપવામાં આવશે.
સોશિયલ મીડિયા પર ‘તાજમહેલ’ સાથે સંદેશ
DHS એ આ ઝુંબેશના પ્રચાર માટે સોશિયલ મીડિયાનો સહારો લીધો છે. ખાસ કરીને ભારતીયોને આકર્ષવા માટે ‘તાજમહેલ’ની તસવીર સાથેની એક પોસ્ટ શેર કરવામાં આવી છે, જેમાં લખ્યું છે: “Receive a FREE flight home and a $2,600 exit bonus when you use CBP Home to self-deport.” આવી જ રીતે ચીન અને કોલમ્બિયાના પ્રતીકોનો ઉપયોગ કરીને ત્યાંના નાગરિકોને પણ સંદેશ આપવામાં આવ્યો છે.
CBP Home એપ દ્વારા મળનારા 4 મુખ્ય લાભો:
DHS ની સત્તાવાર વેબસાઇટ મુજબ, જે વ્યક્તિ સ્વેચ્છાએ આ યોજનાનો લાભ લેશે તેમને નીચે મુજબની સુવિધાઓ મળશે:
- કાનૂની કાર્યવાહીમાંથી રાહત: ‘CBP Home’ મોબાઈલ એપ દ્વારા સેલ્ફ-ડિપોર્ટેશનની ઈચ્છા વ્યક્ત કરનાર બિન-અપરાધી (Non-criminal) પ્રવાસીઓને ICE ની અટકાયત કે કડક કાર્યવાહીમાંથી અસ્થાયી રાહત મળશે.
- નાણાકીય સહાય: રજિસ્ટ્રેશન કરાવનારને મફત હવાઈ ટિકિટ અને $2,600 નું રોકડ બોનસ મળશે. ઉપરાંત, દેશ છોડવામાં નિષ્ફળ રહેવા બદલ લાગતા દંડમાંથી મુક્તિ મળશે.
- સુરક્ષિત વાપસી: ધરપકડ કે અટકાયતના ડર વિના સામાન્ય પ્રવાસીની જેમ સન્માનપૂર્વક પોતાના દેશ પરત જવાની તક મળશે.
- દંડની માફી: જો કોઈ વ્યક્તિ પર અમેરિકામાં રહેવાના નિયમોના ઉલ્લંઘન બદલ સિવિલ દંડ હોય, તો તે સંપૂર્ણપણે માફ કરી દેવામાં આવશે.
“Stay Out and Leave Now” કેમ્પેઇન
આ પહેલ ટ્રમ્પ વહીવટીતંત્રના $200 million ના જંગી બજેટવાળા “Stay Out and Leave Now” કેમ્પેઇનનો એક ભાગ છે. આ યોજના દ્વારા ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે જો તેઓ સ્વેચ્છાએ નહીં જાય, તો ભવિષ્યમાં તેમની ધરપકડ કરીને ફરજિયાતપણે ડિપોર્ટ કરવામાં આવશે.
DHS સેક્રેટરી ક્રિસ્ટી નોમનું નિવેદન
DHS સેક્રેટરી ક્રિસ્ટી નોમએ આંકડા જાહેર કરતા જણાવ્યું હતું કે, ટ્રમ્પ સરકારના પ્રથમ 200 દિવસમાં આશરે 1.6 million ગેરકાયદેસર પ્રવાસીઓ ઘટ્યા છે. તેમણે ઉમેર્યું, “આનાથી અમેરિકા વધુ સુરક્ષિત બનશે, ટેક્સપેયર્સના પૈસા બચશે અને શાળાઓ તેમજ હોસ્પિટલો પરનું ભારણ ઘટશે. અમે આંતરરાષ્ટ્રીય સ્તરે જાહેરાતો ચલાવીને ઈમિગ્રેન્ટ્સને ‘હમણાં જ છોડો’ (LEAVE NOW) નો સંદેશ આપી રહ્યા છીએ.”