ગુજરાતમાં 2024ની લોકસભા ચૂંટણી માટે રાજકીય પક્ષોએ તેમની તૈયારીઓ તેજ કરી દીધી છે.

ગતરોજ શનિવારે તા.2 માર્ચના રોજ ભાજપના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર થયા બાદ રાજકીય ગરમાટો આવી ગયો છે.

ત્યારે બહુધા આદિવાસી અને મુસ્લિમ મતદારો ધરાવતી ગુજરાતની ભરૂચ લોકસભા સીટ માટે આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે જોરદાર મુકાબલો થવાનો છે.

આમ આદમી પાર્ટીએ ભરૂચ બેઠક પરથી ચૈતર વસાવાને મેદાનમાં ઉતાર્યા છે ત્યારે ભાજપે આ બેઠક પર મનસુખભાઈ વસાવાને પોતાના ઉમેદવાર તરીકે જંગમાં ઉતર્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે મનસુખ વસાવા ભરૂચ બેઠક પરથી સતત 6 વખતથી જીતતા આવ્યા છે.

આમ આદમી પાર્ટીએ આદિવાસી કાર્ડ ખેલી ચૈતર વસાવાને પોતાના ઉમેદવાર બનાવ્યા બાદ, ભાજપે પણ આદિવાસી નેતા મનસુખ વસાવાને મેદાનમાં ઉતારવાનું નક્કી કર્યું છે.

નોંધનીય છે કે મનસુખ વસાવા ગુજરાતની ભરૂચ લોકસભા બેઠક પરથી ભાજપના સાંસદ છે.
તેઓ આ વિસ્તારમાં આદિવાસી અગ્રણી તરીકે મજબૂત પક્કડ ધરાવે છે અને તેઓ આ બેઠક પરથી સતત 6 વખત ચૂંટણી જીતવામાં સફળ રહ્યા છે.

મનસુખ વસાવા 1998માં અહીંથી પ્રથમ વખત ચૂંટણી જીત્યા હતા. ત્યારથી તેઓ સતત ભરૂચમાંથી જીતી રહ્યા છે.

મનસુખ વસાવા ભૂતકાળમાં કેન્દ્રીય મંત્રી તરીકે પણ જવાબદારી નિભાવી ચુક્યા છે.

મનસુખ વસાવાની આ બેઠક પર ખૂબ જ મજબૂત પકડ હોવાનું માનવામાં આવે છે.

જ્યારે બીજી તરફ ચૈતર વસાવા પણ આદિવાસી સમાજમાં પણ ખૂબ લોકપ્રિય છે.

તેઓ હાલમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય પણ છે.
ચૈતર વસાવા 8 ડિસેમ્બર 2022થી ડેડિયાપાડા વિધાનસભા મતવિસ્તારમાંથી આમ આદમી પાર્ટીનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે.

તેઓ વન કર્મચારીઓને ધમકાવવાના આરોપમાં છેલ્લા કેટલાક મહિનાઓથી જેલમાં હતા અને કેજરીવાલ તેઓને ખાસ મળવા આવ્યા હતા ત્યારેજ તેઓને આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવાર તરીકે ડિકલેર કરી દેવાયા હતા.

આપ દ્વારા તેઓને સાંસદ તરીકે મેદાનમાં ઉતારવામાં આવ્યા છે અને આમ આદમી પાર્ટી સાથે કોંગ્રેસનું ગઠબંધન પણ છે તેથી કોંગ્રેસનો પણ સપોર્ટ છે.

મહત્વનું છે કે ભરૂચમાં વસાવા સમુદાયની વસ્તી અંદાજે 38 ટકા જેટલી છે.

દેડિયાપાડા વિધાનસભા પણ ભરૂચ લોકસભામાં આવે છે ત્યારે આ બે આદિવાસી સમાજના આગેવાનો વચ્ચેની ટકકર રસપ્રદ થઈ પડશે.