ભારત-ચીન બોર્ડર પર ટૂંક સમયમાં ટ્રેન દોડતી થઈ જશે, ચીન-ભારત બોર્ડર પર 92 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે.
આ ટ્રેન શરૂ થતાં પ્રવાસન ઉદ્યોગને પ્રોત્સાહન મળશે પણ ભારતીય સેના માટે પણ ચીન બોર્ડર ઉપર સંરક્ષણ સામાનની હેરફેર સરળ બનશે.

ભારતીય રેલ્વે ઉત્તરપૂર્વને દેશની રાજધાની સાથે જોડવા માટે ઘણા પ્રોજેક્ટ પર કામ કરી રહી છે, તેમાંથી એક પશ્ચિમ બંગાળ – રંગપો (સિક્કિમ) પ્રોજેક્ટ છે.
તેનું નિર્માણ થતાં જ સિક્કિમ દેશની રાજધાની સાથે પણ જોડાઈ જશે.
માત્ર સિક્કિમ જ નહીં પરંતુ નાથુલા જેવા ચીનને અડીને આવેલા સરહદી વિસ્તારોમાં પણ પહોંચવું સરળ બનશે. આનાથી સ્થાનિક લોકોને વૈકલ્પિક માર્ગ મળશે અને આ વિસ્તારમાં પ્રવાસનને પણ વેગ મળશે.

તેના નિર્માણથી સરહદ પર તૈનાત ભારતીય સેનાને જરૂરી તમામ સામાન ઝડપથી પહોંચાડવામાં મદદ મળશે. અત્યાર સુધીમાં પ્રોજેક્ટનું 92 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે.

ઉત્તરપૂર્વ સીમા રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી સબ્યસાચી દેએ જણાવ્યું હતું કે સેવક (પશ્ચિમ બંગાળ) અને રંગપો (સિક્કિમ)ને જોડતો આ સેવક-રંગપો ન્યુ રેલ લિંક પ્રોજેક્ટ લગભગ 45 કિલોમીટર લાંબો છે. તેમાં 14 ટનલ, 17 પુલ અને 5 સ્ટેશનનો સમાવેશ થાય છે. સૌથી લાંબી ટનલ (T-10) ની લંબાઈ 5.3 કિમી છે. અને સૌથી લાંબા પુલ (બ્રિજ-17)ની લંબાઈ 425 મીટર છે. અંદાજે 38.64 કિમી સમગ્ર પ્રોજેક્ટની ગોઠવણી ટનલમાંથી પસાર થઈ રહી છે.
ટનલિંગનું 92.31% કામ પૂર્ણ થઈ ગયું છે.