180 કિમીની સ્પીડે આવેલી જેગુઆરે ટોળાને અડફેટે લીધી, મોતનો આંક વધે તેવી શક્યતા
- અકસ્માતમાં એક કોન્સ્ટેબલ અને એક હોમ ગાર્ડનું પણ મોત
- એક્સિડેન્ટમાં 15થી 20 લોકો ઇજાગ્રસ્ત થયા
- મૃતકોમાં બોટાદ અને સુરેન્દ્રનગરના યુવકોનો સમાવેશ
નમસ્કાર ગુજરાત ન્યૂઝ. અમદાવાદ
બુધવારે મોડી રાત્રે અમદાવાદના ઇસ્કોન બ્રીજ પર ગમખ્વાર અકસ્માત થયો હતો. જેને જોવા માટે લોકોના ટોળા વળ્યા હતા. જોકે આ દરમિયાન જ 180ની સ્પીડે આવેલી જેગુઆર કારે ટોળાને કચડી નાખ્યું હતું. જેમાં 9 લોકોનાં મોત થયા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, અકસ્માત સમયે જગુઆર કારમાં બે યુવકો અને એક યુવતી પણ હતા. જેઓને પણ ઇજા પહોચી હતી. જેગુઆર કાર ગોતા વિસ્તારનો તથ્ય પ્રગનેશ પટેલ ચલાવતો હોવાનું સામે આવ્યું છે.
ઇસ્કોન બ્રીજ પર મહેન્દ્રા કાર અને ડમ્પર વચ્ચે અકસ્માત થયો હતો. જેને પગલે લોકો અકસ્માત જોવા માટે ઉભા રહ્યા હતા. માત્ર આટલું જ નહીં પોલીસ કોન્સ્ટેબલ અને એક હોમગાર્ડ જવાન પણ તપાસ હેતુસર ઘટનાસ્થળે જ મોજુદ હતા. જોકે રાજપથ ક્લબ તરફથી આવી રહેલી કારે લોકોને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં રોડ પર લોહીના ખાબોચિયા ભરાય ગયા હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે ફિલ્મમાં જે દ્રશ્ય સર્જાય છે તેમ લોકો 25 ફૂટ 30 ફૂટ દૂર ફંગોળાયા હતા. મૃતકો મોટાભાગે એસજી હાઇવે આસપાસ પીજીમાં રહેતા યુવકો હતા. ઘાયલોને સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. જ્યારે સેક્ટર 1 જેસીપી નીરજ બડગુજર, એસીપી જી.એસ શ્યાન, ટ્રાફિક પોલીસ સ્ટેશનના બે પીઆઇ અને સોલા પોલીસ સ્ટેશનના પીઆઇ સહિતનો કાફલો સોલા સિવિલ હોસ્પિટલ પહોંચ્યો હતો.
અકસ્માત સમયે 4 લોકો કારમાં હોવાનું પણ સામે આવ્યું છે. જેમાં એક યુવતીનો પણ સમાવેશ થાય છે. જોકે યુવતી હાલ ગાયબ હોવાનું સામે આવ્યું છે. કારમાં મિજાન શેખ અને નારણ ગુર્જર નામના વ્યક્તિ પણ બેઠેલા હતા જેમને સીમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.