રિવરસ્ટોન વિસ્તારમાં આવેલી ‘હવેલી’ રેસ્ટોરન્ટમાં કાર્બન મોનોક્સાઇડ ઝેરની આશંકા; પોલીસ સહિત 7 લોકોને હોસ્પિટલમાં દાખલ કરાયા

Pic Courtesy. theguardian.com

Namaskar Gujarat News. સિડની, ઓસ્ટ્રેલિયા: ઓસ્ટ્રેલિયામાં ભારતીય રેસ્ટોરન્ટમાં થયેલા ગેસ લીકની દુર્ઘટનામાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે, જ્યારે પાંચ પોલીસ અધિકારીઓ સહિત 7 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઘટના મંગળવારે સવારે સિડનીના રિવરસ્ટોન વિસ્તારમાં આવેલી હાવેલી ઇન્ડિયન રેસ્ટોરન્ટમાં બની હતી.

મળેલા અહેવાલો મુજબ, સવારે 9.15 વાગ્યે ઇમરજન્સી સેવાઓને રેસ્ટોરન્ટની અંદર એક બેભાન વ્યક્તિ વિશે જાણ કરવામાં આવી હતી. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે એક વ્યક્તિના મૃત્યુની પુષ્ટિ કરી હતી. ફાયર એન્ડ રેસ્ક્યુ NSWના સુપરિન્ટેન્ડેન્ટ એડમ ડેવબેરીએ જણાવ્યું કે, રેસ્ટોરન્ટમાં હાજર ઘણાં લોકોને ગેસની અસર થઈ હતી અને તેઓ કાર્બન મોનોક્સાઇડ ઝેરથી પીડિત હોવાનું જણાયું હતું.

પોલીસ અને અન્ય ઇમરજન્સી સેવાઓના કર્મચારીઓ સહિત છ લોકોને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. આ ઘટના પર દુઃખ વ્યક્ત કરતા સ્થાનિક સાંસદ અને એટર્ની-જનરલ મિશેલ રોલેન્ડે કહ્યું, “આ દુર્ઘટના વિશે જાણીને હું ખૂબ જ દુઃખી છું અને આઘાતમાં છું. હું સમજુ છું કે તપાસ ચાલી રહી છે, અને હું વિસ્તારના લોકોને ઇમરજન્સી સેવાઓની સૂચનાઓનું પાલન કરવા વિનંતી કરું છું.”

હોટેલના માલિકે શું કહ્યું ઘટના અંગે ?
રેસ્ટોરન્ટના માલિક રેશમ સિંહે, તેમના પુત્ર સાથે મળીને, અંદર બેભાન હાલતમાં પડેલા યુવકને જોયા બાદ ટ્રિપલ ઝીરો (ઇમરજન્સી નંબર) પર ફોન કર્યો હતો. પાંચ પોલીસ અધિકારીઓએ બિલ્ડિંગમાં પ્રવેશ કર્યો અને યુવકને CPR આપવાનું શરૂ કર્યું, પરંતુ હવામાં રહેલા ગેસનું પ્રમાણ એટલું વધારે હતું કે તેમના પ્રયાસોને અવરોધ થયો હતો. તે યુવકને બહાર ખસેડવામાં આવ્યો હતો, પરંતુ તેને પુનર્જીવિત કરવાના પ્રયાસો નિષ્ફળ રહ્યા હતા.

સિંહે ડેઈલી મેલને જણાવ્યું કે તેમને મૃતક ક્લીનરનું નામ પણ ખબર નહોતું, તેઓ માત્ર કોન્ટ્રાક્ટરને જ ઓળખતા હતા જેણે તેને મોકલ્યો હતો.

તેમણે કહ્યું, “મેં આજે સવારે કોન્ટ્રાક્ટર સાથે વાત કરી અને જે થયું તેની જાણ કરી. તે [મૃતક]ના પરિવારને જાણ કરશે. જ્યારે આ ઘટના બની ત્યારે તે [ક્લીનર] હજુ પણ તેનું કામ કરી રહ્યો હતો. તે મારી આ રેસ્ટોરન્ટ અને સ્ટેનહોપ ગાર્ડન્સમાં આવેલી મારી બીજી રેસ્ટોરન્ટ, હાવેલી, બંનેની સફાઈનું કામ કરે છે.”

આ દુર્ઘટનાનું ચોક્કસ કારણ જાણવા માટે સત્તાવાળાઓ દ્વારા તપાસ ચાલી રહી છે.