ઓસ્ટ્રેલિયાના રોયલ નેવીના વડા એડમિરલ માર્ક હેમન્ડે તેમના ભારતીય સમકક્ષ એડમિરલ આર હરિ કુમાર સાથે દ્વિપક્ષીય સૈન્ય સંબંધો અને લાલ સમુદ્રમાં કોમર્શિયલ જહાજો પર હુથી આતંકવાદીઓ દ્વારા થઈ રહેલા હુમલા સામે આવા આતંકીઓ સામે સંયુક્ત કાર્યવાહી કરવા સહિત અન્ય મુદ્દાઓ પર વ્યાપક ચર્ચા કરી હતી. આ દરમિયાન બંને નૌકાદળના વડાઓએ લાલ સમુદ્રમાં વધી રહેલા હુમલાઓ સામે વધુ કડકાઈથી કાર્યવાહી કરવાની વાત કરી હતી.

ભારતીય નૌસેનાએ જણાવ્યું હતું કે બંને નૌકાદળના વડાઓ વચ્ચેની વાતચીત દ્વિપક્ષીય દરિયાઈ સહયોગને મજબૂત કરવા, પરસ્પર તાલીમ અને માહિતીની આપ-લે અને ઓપરેશનલ નિકટતા વધારવા પર કેન્દ્રિત હતી.

નોંધનીય છે કે છેલ્લા કેટલાક મહિનામાં હુથી આતંકવાદીઓએ લાલ સમુદ્રમાં ઘણા વેપારી જહાજોને નિશાન બનાવ્યા છે જે અંગે સમગ્ર વિશ્વએ ચિંતા વ્યક્ત કરી છે.

પાંચ દિવસની મુલાકાતે દિલ્હી પહોંચેલા એડમિરલ હેમન્ડે એડમિરલ હરિ કુમાર સાથે વાતચીત પહેલા નેશનલ વોર મેમોરિયલ પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
સાઉથ બ્લોકની લૉનમાં તેમને ગાર્ડ ઑફ ઓનર પણ આપવામાં આવ્યું હતું.
ઓસ્ટ્રેલિયન નેવી ઓફિસર CDS જનરલ અનિલ ચૌહાણ, એરફોર્સ ચીફ એર ચીફ માર્શલ વીઆર ચૌધરી અને સંરક્ષણ સચિવ ગિરધર અરમાનેને પણ મળવાના છે.