સળગતી ફ્લાઇટનો વીડિયો થયો વાયરલ
નમસ્કાર ગુજરાત ન્યૂઝ.
ચીનના ચોંગકિંગ એરપોર્ટ પર મંગળવારે સવારે તિબેટ એરલાઈન્સના વિમાનમાં આગ લાગી હતી. સરકારી મીડિયાએ અહેવાલ આપ્યો છે કે આ ઘટનામાં કેટલાક મુસાફરો ઘાયલ પણ થયા છે. સરકારી પ્રસારણકર્તા સીસીટીવીએ જણાવ્યું કે ચોંગકિંગથી લ્હાસાની ફ્લાઈટમાં ચોંગકિંગ જિયાંગબેઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આગ લાગી હતી.
પીપલ્સ ડેલીએ એરલાઈન્સને ટાંકીને કહ્યું કે તમામ 113 મુસાફરો અને 9 ક્રૂ મેમ્બર્સને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. જેઓને નાની-મોટી ઈજાઓ થઈ છે તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલા વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે રનવે પર ઉભેલા એરક્રાફ્ટમાં આગ લાગ્યા બાદ આકાશમાં ઝડપથી ધુમાડો નીકળી રહ્યો છે. રાહત દળ દ્વારા પ્લેનમાં પાણી રેડવામાં આવી રહ્યું છે અને આગ ઓલવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
એરલાઈન્સે કહ્યું કે જ્યારે પ્લેન દક્ષિણ પશ્ચિમ શહેર ચોંગકિંગથી તિબેટના ન્યાંગચી જઈ રહ્યું હતું ત્યારે ક્રૂને શંકા ગઈ અને તેઓએ પ્લેનને નીચે ઉતાર્યું. આ પછી રનવે પર પ્લેનમાં આગની જ્વાળાઓ દેખાઈ હતી. તિબેટ એરલાઈન્સે એક નિવેદન જારી કરીને કહ્યું- તમામ મુસાફરો અને ક્રૂ મેમ્બર્સને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. ઈજાગ્રસ્ત મુસાફરોને સામાન્ય ઈજાઓ થઈ હતી અને તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
આ ઘટના એવા સમયે બની છે જ્યારે માર્ચ મહિનામાં કુનમિંગથી ગુઆંગઝૂ જતી ચાઈના ઈસ્ટર્ન ફ્લાઈટમાં લગભગ 29 હજાર ફૂટની ઉંચાઈએ પર્વતીય વિસ્તારમાં આગ લાગી હતી અને તેમાં સવાર 132 લોકો માર્યા ગયા હતા. ચીનના 30 વર્ષના ઈતિહાસમાં આ સૌથી મોટો અકસ્માત માનવામાં આવે છે. તેના માટે કોઈ ચોક્કસ કારણ આપવામાં આવ્યું નથી. તે પ્લેનમાંથી બે બ્લેક બોક્સ મળ્યા બાદ તેનું અમેરિકામાં વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે જેથી ચીન ઈસ્ટર્ન ફ્લાઈટમાં થયેલા અકસ્માતનું રહસ્ય બહાર આવી શકે છે.