સમગ્ર દેશમાં અમદાવાદ પ્રદુષણ મામલે 15 મો ક્રમાંક ધરાવે છે. અમદાવાદની એર ક્વોલિટી ઇન્ડેક્સ AQI 160 જેટલી છે ત્યારે અમદાવાદ શહેરમાં હવાના પ્રદુષણને નાથવા માટે AMCએ એક્શન પ્લાન તૈયાર કર્યો છે જેમાં અમદાવાદ શહેરના તમામ વિસ્તારોમાં એર સેન્સર લગાવમાં આવનાર છે.
અમદાવાદના સ્ટેડિયમ, પીરાણા, રાયખડ, મણિપુર, એરપોર્ટ, પીરાણા સૌથી વધારે પ્રદૂષીત વિસ્તાર પૈકીના છે

અમદાવાદ પણ પ્રદૂષણ બાબતે દિલ્હી સાથે હરીફાઈ કરતું હોય તેવી સ્થિતિ સર્જાઇ છે. હાલમાં દિલ્હીમાં હવાની સ્થિતિ એટલી ખરાબ છે કે તે મનુષ્ય માટે રહેવા લાયક નથી.
હાલમાં દિલ્હીમાં પ્રદુષણની સ્થિતિ ખુબ જ વિકટ બની રહી છે ત્યારે એર પોલ્યુશનમાં અમદાવાદમાં સ્થિતિ પણ ખરાબ થતી જઈ રહી છે. જેના પગલે કોર્પોરેશન સતર્ક થયું છે.

અમદાવાદ શહેરમાં હવાના પ્રદુષણને લઈ AMC દ્વારા વિવિધ વિસ્તારોમાં 500 જેટલા એર સેન્સર લગાવવામાં આવશે જેનાથી જે વિસ્તારમાં હવા પ્રદૂષણ વધશે તો મુખ્ય સેન્ટર પર બર્જર એલાર્મ વાગશે.

એટલે કે એર સેન્સરના કારણે પ્રદૂષિત હવાની AMCને જાણ થશે અને કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર પર બર્જર એલાર્મ વાગતા જ પ્રદૂષિત વિસ્તારમાં વોટર કેનનની મદદથી પ્રદૂષણ ઘટાડવાનો પ્રયાસ હાથ ધરાશે ઉપરાંત વાહનો દ્વારા પ્રદૂષણ વધશે તો તેવી સ્થિતિમાં અન્ય વિસ્તારમાં વાહનો ડાયવર્ટ કરવા જેવી બાબતો ઉપર એક્શન લેવા તંત્ર પગલાં ભરશે.

હવાનું પ્રદૂષણ ઘટાડવા જે વિસ્તારમાં પ્રદૂષણની માત્રા વધુ હશે ત્યાં મિસ્ટ મશીનથી હવામાં પાણીનો છંટકાવ કરી ધૂળ તથા રજકણ દૂર કરવામાં આવશે.
આ ઉપરાંત શહેરમાં લગભગ 500 સ્થળે એર ક્વોલિટી ઈન્ડેક્સ દર્શાવતી સિસ્ટમ લગાડવાનો પણ નિર્ણય કરવામાં આવ્યો છે.