ભારતમાંથી પરદેશમાં કમાવા માટે ગેરકાયદે રીતે અમેરિકા જવાની ભારે હોડ લાગી છે ત્યારે તાજેતરમાં આખુ પ્લેન ભરી મુસાફરોને વાયા નિકારાગુઆ અમેરિકા મોકલવાના રેકેટનો પર્દાફાશ થયા બાદ પણ એજન્ટ લોકો યુવકોને ગેરકાયદેસર રીતે અમેરિકામાં મોકલી રહયા છે અને પોલીસ તપાસ વચ્ચે પણ એજન્ટ પોતાનું કામ કરી રહયા છે.
નિકારાગુઆ જતું આખું પ્લેન પકડાયું ત્યારે ભારે હોબાળો થયો અને પોલીસની કાર્યવાહી વગરે થયુ પણ હકીકત તો એ છે કે એજન્ટનો ધંધો ચાલુજ રહ્યો છે.
આ ઘટના પછી પણ ચોંકાવનારા અહેવાલ એવા છે કે હાલમાં પણ કેટલાય યુવકોને ગેરકાયદે અમેરિકામાં ઘુસાડવા રવાના કરાયા છે અને તેઓ અધવચ્ચે ફસાઈ ગયા છે એ એવા યુવકો છે કે જેઓએ એજન્ટોને લાખ્ખો રૂપિયા ચૂકવી દીધા હોય હવે ભારતમાં પરત થઈ શકતા નથી કારણકે તેઓના ઘરવાળા ઈચ્છે છે કે તે ગમેતેમ કરી અમેરિકામાં પ્રવેશ કરે અને ડોલરમાં રૂપિયા બનાવી કરોડપતિ બની જાય અને ભારતમાં પૈસા મોકલે.
આવોજ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં એક મીડિયા સાથે વાત કરતા યુવક કહી રહ્યો છે કે પ્લીઝ મને બચાવી લો… મારી ફેમિલીવાળાને સમજાવો કે મને પાછો બોલાવી લે, નહીંતર ત્યાં પહોંચીને પણ હું ગમે તે કરી લઈશ…’
આ શબ્દો છે ગાંધીનગર જિલ્લાના એક યુવકના, જે અધવચ્ચે ફસાયો છે અને પોતાની ફેમિલીવાળાના કારણે દબાણને લઈ ભારત આવી શકતો નથી અને તે પણ ઈલીગલી અમેરિકા જવા ઘરેથી નીકળ્યો છે.
મૂળ ગાંધીનગર જિલ્લાના એક ગામનો વતની આ યુવક હાલ સાઉથ અમેરિકાના દેશમાં ફસાયો છે.
Iam Gujarat મીડિયા રિપોર્ટસમાં દાવો કરાયો છે કે આ યુવક છેલ્લા એકાદ મહિનાથી ફસાયો છે જેનું મનોબળ તૂટી ગયું છે.
જે રીતે તાજેતરમાં આખું વિમાન પકડાઈ ગયુ અને ગુજરાતમાં પોલીસે તપાસ શરૂ કરી છે તે જોતા તે હવે પોતાનું નામ સાચું નામ તો તો ઠીક, પણ પોતે કયા ગામનો વતની છે અને હાલનું તેનું લોકેશન શું છે તે પણ જાહેર થાય તેવું નથી ઈચ્છતો.
આ યુવકને અમેરિકા મોકલવા માટે તેની ફેમિલીવાળાએ ગાંધીનગરના એક એજન્ટને 75 લાખ રૂપિયામાં કામ સોંપ્યું હતું, એજન્ટે તેને એક મહિનામાં અને વગર કોઈ તકલીફે અમેરિકા પહોંચાડી દેવાનો વાયદો પણ કર્યો હતો, આ યુવક બે-ચાર દેશોમાંથી પસાર થયા બાદ પોતાના લાસ્ટ લોકેશન પર પહોંચ્યો છે અને હવે તેને એજન્ટ નિકારાગુઆ મોકલવાની તૈયારી કરી રહ્યો હોવાનું કહ્યું છે.
હાલ તેને જ્યાં રાખવામાં આવ્યો છે ત્યાંથી જો તેને બાય રોડ નિકારાગુઆ મોકલવામાં આવે તો પણ તેને ચાર દેશોની બોર્ડર ક્રોસ કરવી પડશે, અને નિકારાગુઆ પહોંચ્યા બાદ તેને મેક્સિકો તરફ રવાના કરવામાં આવશે.
એજન્ટોએ પહેલા મુંબઈથી રશિયાની બોર્ડર ઉપર મોકલ્યો હતો, પરંતુ ત્યાંથી કોઈ કારણોસર તેને પાછો મુંબઈ બોલાવી લીધો હતો અને આજ સમયગાળા દરમિયાન નિકારાગુઆ જતી ડોંકી ફ્લાઈટ પકડાઈ જતા ભારે હોબાળો થયો હતો, જોકે તેના બે-ચાર દિવસમાં બધું ઠંડુ પડતા ફરી તેને મુંબઈથી જ સીધો સાઉથ અમેરિકાના એક દેશમાં મોકલવામાં આવ્યો હતો. તેના માટે એજન્ટે બિઝનેસ ક્લાસની ટિકિટ બુક કરાવી હતી અને તે દેશમાં પહોંચ્યા બાદ તેને બાય રોડ તેમજ જળમાર્ગે તેના છેલ્લા લોકેશન પર પહોંચાડવામાં આવ્યો હતો.
હાલ, જ્યાં તે રોકાયેલો છે ત્યાં તેની સાથે બીજા પણ કેટલાક ગુજરાતીઓ છે, અને તે બધાને એજન્ટ એક-એક કરીને નિકારાગુઆ રવાના કરી રહ્યો છે.
જોકે, છેલ્લા એક મહિનાથી પણ વધુ સમયથી એક જ જગ્યાએ ફસાયેલા આ યુવકની ધીરજ હવે ખૂટી રહી છે, અને આ દરમિયાન તેને અમેરિકામાં ગેરકાયદે ગયેલા લોકોને નોકરી શોધવામાં કેવી તકલીફ પડી રહી છે તે પણ જાણવા મળ્યું છે.
હતાશ થઈ ગયેલો આ યુવક હવે ભારત પરત ફરવા માગે છે, પરંતુ લાખ્ખોનો ખર્ચો કરનાર તેના ઘરવાળા તેને અમેરિકા જવાનું દબાણ કરી રહ્યા છે અને હવે તે ઘરે ફોન કરે તો તેની સાથે કોઈ સરખી રીતે વાત પણ નથી કરતું.
તે પોતાની રીતે ભારત પાછા જવાની તૈયારી કરતા હવે તેનો પાસપોર્ટ પણ તેની પાસેથી લઈ લેવાયો છે.
હાલ ઈન્ડિયાથી હજારો કિલોમીટર દૂર ફસાયેલા યુવકની માનસિક હાલત કથળી ચૂકી છે અને આખી રાત સૂઈ નથી શકતો.
મતલબ સાફ છે કે જે રીતે આ મીડિયા હાઉસે દાવો કર્યો છે તે જોતા કહી શકાય કે ભલે આખું પ્લેન પકડાઈ ચૂક્યું હોય અને પોલીસ કાર્યવાહી ચાલુ હોય પણ એજન્ટ્સ ને કોઈ ફરક પડ્યો નથી અને ગેરકાયદેસર રીતે અમેરિકામાં જવાનો સીલસીલો ચાલુ રહ્યો છે અને લાખ્ખો રૂપિયા લઈ એજન્ટ આવા સેંકડો યુવકોને મોકલવાનો ગોરખધંધો ચાલુ જ છે જે આ વાતનો બોલતો પુરાવો છે.