પંજાબ પોલીસને હરિયાણા પોલીસે કુરુક્ષેત્રમાં અટકાવી દીધી

નમસ્કાર ગુજરાત ન્યૂઝ
બીજેપી નેતા તજિન્દર પાલ સિંહ બગ્ગાની ધરપકડથી રાજકીય ખળભળાટ મચી ગયો છે. પંજાબ પોલીસ બગ્ગાની ધરપકડ કરીને બગ્ગાને મોહાલી લઈ જઈ રહી હતી ત્યારે હરિયાણા પોલીસે તેને કુરુક્ષેત્રમાં અટકાવી દેતા મામલાએ વિવાદ સર્જ્યો છે. માત્ર આટલું જ નહીં પરંતુ દિલ્હી પોલીસે પંજાબ પોલીસ વિરુદ્ધ અપહરણનો કેસ નોંધ્યો છે. દરમિયાન, બીજેપીએ જાહેરાત કરી છે કે તે બપોરે 3 વાગ્યે આમ આદમી પાર્ટીના કાર્યાલયની સામે વિરોધ પ્રદર્શન કરશે.

ત્રણ રાજ્યોની પોલીસ સમગ્રે મામલે દોડતી થઇ
હરિયાણા પોલીસે પંજાબ પોલીસને કુરુક્ષેત્રમાં રોકી લીધી છે અને આ સાથે જ બગ્ગાની ધરપકડ હવે ત્રણ રાજ્યોની પોલીસનો મામલો બની ગયો છે. પંજાબ પોલીસે બગ્ગાની ધરપકડ કરી હતી, જ્યારે દિલ્હી પોલીસ પાસે જઈને બગ્ગાના પિતાએ ફરિયાદ નોંધાવી હતી અને કહ્યું હતું કે પંજાબ પોલીસે તેને માર માર્યો હતો અને તેનો મોબાઈલ ફોન છીનવી લીધો હતો. પંજાબ પોલીસના ત્રણ જવાનોને હવે દિલ્હીના જનકપુરી પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યા છે.

બગ્ગા સામે આખરે શું છે આરોપ ?

માહિતી અનુસાર, પંજાબ પોલીસે ભારતીય દંડ સંહિતા (IPC)ની કલમ 153-A (બે સમુદાયો વચ્ચે તણાવ ઉભો કરવો), 505 (અફવાઓ ફેલાવવી) અને 506 (ધમકી આપવી) હેઠળ કેસ નોંધ્યો હતો. અગાઉ પણ પંજાબ પોલીસ તેમની ધરપકડ કરવા રાષ્ટ્રીય રાજધાની આવી હતી, પરંતુ બગ્ગા ઘરે ન હોવાથી તેઓ સફળ થયા ન હતા. તેમની અટકાયત બાદ તરત જ ભાજપના નેતા કપિલ મિશ્રાએ પંજાબ પોલીસની કાર્યવાહીની ટીકા કરી હતી. પાર્ટીના અન્ય નેતા નવીન જિંદાલે આમ આદમી પાર્ટી પર પોલીસનો દુરુપયોગ કરવાનો આરોપ લગાવ્યો, જ્યારે પ્રવીણ શંકર કપૂરે તેને “રાજકીય બદલો” તરીકે ગણાવ્યો છે.