ગુજરાતમાં લોકસભાની 26 અને વિધાનસભાની પાંચ બેઠકની ચૂંટણી 7મી મેના રોજ યોજાવાની છે ત્યારે લોકોમાં જબરદસ્ત ઉત્સાહ હતો પણ
કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાના વિવાદાસ્પદ નિવેદન આપ્યા બાદ જે રીતે ક્ષત્રિય સમાજમાં નારાજગી જોવા મળી રહી છે અને તેમાંય ક્ષત્રિય સમાજ જ્યારે રૂપાલાની ટીકીટ રદ્દ કરવાની માંગ સાથે જે રીતે આંદોલન ચાલુ છે અને મહા સંમેલન મળ્યું તેમ છતાં રૂપાલાએ ફોર્મ ભર્યું તેથી ક્ષત્રિય સમાજ વધુ રોષે ભરાયો અને 19મીએ જો રૂપાલા ફોર્મ પરત નહિ ખેંચે તો તેની અસર માત્ર રાજકોટ નહિ પણ સમગ્ર ગુજરાતમાં તમામ સીટ ઉપર દેખાશે

રાજકોટ લોકસભા સીટ ઉપર રૂપાલાનું નામ નક્કી થતાની સાથે જ સૌથી પહેલાં ભાજપમાં આંતરિક વિખવાદ તો હતોજ એવામાં રૂપાલાના નિવેદનને કારણે હવે ક્ષત્રિયોએ એવી ચિમકી ઉચ્ચારી છેકે, જો રૂપાલાની ટિકિટ રદ નહીં કરવામાં આવે તો ચૂંટણીમાં રાજપૂત સમાજ ભાજપ વિરુદ્ધ મતદાન કરશે. 

રાજ્યની 26 લોકસભા બેઠક ઉપર ક્ષત્રિય આંદોલનની અસર જોવા મળશે કારણ કે હવે વટ નો સવાલ જેવી અનુભૂતિ ક્ષત્રિયો કરી રહયા છે.
અને તેથીજ ઠેરઠેર ભાજપના કાર્યક્રમોનો કાળા વાવટા ફરકાવી વિરોધ શરૂ થયો છે.
ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને કચ્છ મધ્ય-ઉત્તર-દક્ષિણની બેઠકો ઉપર તેની અસર રહેવાની છે.
ક્ષત્રિય આંદોલનની આગ ગુજરાતથી રાજસ્થાન, યુપી સુધી પ્રસરી ચુકી છે.
ત્યારે આ તમામ જગ્યાએ અસરો થશે.
હાલમાં સ્થિતિ એવી જોવા મળી રહી છે કે તાલુકા- ગ્રામ્ય લેવલે જ્યાં જ્યાં ભાજપમાં ક્ષત્રિય આગેવાનો છે તેવા આગેવાનો માટે એક તરફ સમાજ અને બીજી તરફ પાર્ટી છે.
આવા ક્ષત્રિય આગેવાનો આ આંદોલનનો સુખદ ઉકેલ આવે તેવું ઇચ્છી રહ્યા છે કારણ કે તેઓ ક્ષત્રિય સમાજને ભાજપને મત આપજો તેમ કહી શકે તેમ નથી અને પાર્ટીને સમજાવી શકે તેમ નથી આમ ક્ષત્રિય આગેવાનોની હાલત સુડી વચ્ચે સોપારી જેવી છે ત્યારે ભાજપના નેતાઓ માત્ર ગાંધીનગરમાં મિટિંગો કરી રહયા છે પણ જો ગામડે ગામડે ગ્રાઉન્ડ જીરો રીપોર્ટિંગ કરે તોજ સાચી હકીકત ખ્યાલ આવી શકે કારણ કે સમાજમાં રોષ ખુબજ છે અને તેના પરિણામ સારા આવી નહિ શકે.
આવી સ્થિતિમાં ભાજપ જો શાણપણ દાખવી રૂપાલાને હજુપણ હઠાવી દેશે તો મોટા નુકશાનમાંથી બચી શકે તેમ છે કારણકે ક્ષત્રિય આંદોલન સ્વંયંભુ છે તેનો કોઈ નેતા નથી.
બીજુ કે ક્ષત્રિય સમાજને કોઈ સમાજ કે પાર્ટી સાથે વાંધો નથી પણ માત્ર તેઓ રૂપાલાને હઠાવવા માંગ કરી રહયા છે ત્યારે હવે આખરી નિર્ણય ભાજપના હાથમાં છે અને હવે તેઓ પાસે માત્ર એકજ દિવસ છે.

બીજી તરફ ગુજરાતમાં લોકસભાની 26 અને વિધાનસભાની પાંચ બેઠકની ચૂંટણીઓમાં આ વખતે મજાની વાત એ પણ છે કે, લોકસભાની ચૂંટણીમાં સાત ઉમેદવારો અને વિધાનસભાની ચૂંટણીમાં પાંચ પૈકી ચાર ઉમેદવારો મૂળ કોંગ્રેસ ગૌત્રના છે.
તેથી કોંગ્રેસે મૂળ કોંગ્રેસના ઉમેદવારો સામે જ લડત આપવાની છે.

બીજી વાત એ કે ભાજપના જિલ્લા નેતાઓ અને કાર્યકરોને ગમે કે ન ગમે પણ તેમણે પક્ષપલટુંઓ માટે ચૂંટણી પ્રચાર કરવાનો વારો આવ્યો છે.
છેલ્લા 10 વર્ષની ગણતરી મુજબ ગુજરાત વિધાનસભામાં ભાજપની કુલ સભ્ય સંખ્યા છે તેટલા પૂર્વ ધારાસભ્યો, પૂર્વ સંસદસભ્યો અને પૂર્વ નેતાઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં ભળી ચૂક્યાં છે.

ભાજપમાં ગયેલા કોંગ્રેસના નેતાઓને તેમના રાજકીય કદ મુજબ હોદ્દા પણ મળ્યા છે.
વર્તમાન ભૂપેન્દ્ર પટેલની સરકારમાં ત્રણ કેબિનેટ અને એક રાજ્યકક્ષાના મંત્રીનું ગૌત્ર મૂળ કોંગ્રેસ છે આમ આ બધા વચ્ચે એક તરફ ભાજપ સામે કોંગ્રેસ અને આપ સંયુક્ત રીતે લડી રહયા છે ત્યારે બીજી તરફ ભાજપે રણનીતિ બનાવવાનો બદલે પોતાના જ વર્ષોથી વફાદાર ક્ષત્રિય મતદારોની અવગણના કરીને વધુ મુશ્કેલી ઉભુ કરી રહયાનું સપાટી ઉપર આવી રહ્યું છે અને એવું નથી કે માત્ર ક્ષત્રિય સમાજ પણ અન્ય સમાજ પણ ભાજપ વિરુદ્ધ મતદાન કરશે ત્યારે યોગ્ય સમયે નિર્ણય લેવાની શક્તિ ગુમાવી રહ્યાનું જણાઈ રહ્યું છે ત્યારે ભાજપની આ ભૂલ એક નાનકડી ચિનગારી આપનારી સાબિત થશે અને ભવિષ્યમાં મોટા નુકશાન માટે તૈયારી રાખવી પડી શકે છે.