રાજકોટના TRP ગેમઝોન અગ્નિકાંડમાં 32ના કરુણ મોત થયા બાદ તેની ગેરકાયદેસરતા સામે આવ્યા બાદ ભારે હંગામો મચ્યો છે ત્યારે ગુજરાત હાઈકોર્ટે આ ઘટના મામલે આજે સુઓમોટો લઈ અગ્નિકાંડને માનવસર્જિત ગણાવી જવાબ માંગ્યો છે.
ગુજરાત હાઈકોર્ટે સુઓમોટો હાથ ધરીને ગંભીર ટિપ્પણીઓ કરી ખુલાસો માંગ્યો છે.
ગુજરાત હાઈકોર્ટમાં આજે જસ્ટિસ બીરેન વૈષ્ણવ અને દેવેન દેસાઈની વિશેષ બેન્ચે સુનાવણી હાથ ધરી આ અગ્નિકાંડને માનવસર્જિત ડિઝાસ્ટર ગણાવી છે.
આ ઉપરાંત હાઈકોર્ટે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ સહિત અન્ય મહાનગરપાલિકાઓ તેમજ રાજ્ય સરકાર પાસે ગેમઝોનના નિયમો અને ફાયર નિયમો અંગે એક જ દિવસમાં ખુલાસો કરવાનો નિર્દેશ આપ્યો છે.
સાથે સાથે ગુજરાત હાઈકોર્ટે અમદાવાદમાં આવેલા કેટલાક ગેમઝોનને ભયજનક ગણાવી ત્વરિત પગલાં ભરવા આદેશ આપ્યો છે. અમદાવાદમાં સિંધુભવન, એસ.પી રીંગ રોડ તેમજ એસ.જી હાઈવે પરના ગેમ ઝોનને પણ ભયજનક ગણાવી આ અંગે તાત્કાલિક ખુલાસો કરવા તાકીદ કરી છે.