AMCની કમિટીએ લીધો નિર્ણય, 50 કરોડનો બ્રિજ 8 મહિનાથી હતો બંધ

અમદાવાદમાં આમ તો મોટાભાગના બ્રિજમાં ભ્રષ્ટાચાર ખદબદી રહ્યો છે અને ગણતરીના વર્ષોમાં જ બ્રિજ તકલાદી હોવાનું સામે આવી રહ્યું છે. તેમાં હવે છેલ્લા ઘણાં સમયથી વિવાદનું કેન્દ્ર સ્થાન બનેલા હાટકેશ્વર બ્રિજને હવે તોડી પાડવાનો નિર્ણય કરાયો છે. 5 વર્ષમાં બનેલા હાટકેશ્વર બ્રિજમાં 2021થી ગાબડા પડવાનો સિલસિલો શરૂ થયો હતો. અગાઉ 3 વખત તેને રિપેરિંગ કર્યા પછી પણ વધુ એક વખત ગાબડું પડ્યું હતું. મ્યુનિસિપલ કમિશનર દ્વારા રચવામાં આવેલા ત્રણ એક્સપર્ટની કમિટીએ સમગ્ર બ્રિજ મામલે આખો રિપોર્ટ તૈયાર કર્યો હતો. જે રિપોર્ટ મ્યુનિસિપલ કમિશનરને સોંપ્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. 

કંપની સામે પોલીસ ફરિયાદ નોંધાશે
બ્રિજ તોડવા અને નવો બનાવવાનો ખર્ચ કોન્ટ્રાક્ટર અજય એન્જિનિયરિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડને ભોગવવાનો રહેશે. તેમણે વધુમાં કહ્યું હતું કે, કોન્ટ્રાક્ટર અજય એન્જિનિયરિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ અને PMC કંપની SGS ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડને બ્લેકલિસ્ટ કરવામાં આવશે. ખોખરા પોલીસ સ્ટેશનમાં આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઇ છે. નિવૃત્ત થયેલા અધિકારીઓને આજે ચાર્જશીટ આપવામાં આવી છે.

રિપોર્ટ બાદ ચાર ઇજનેર સસ્પેન્ડ કરાયા
આ ફાઇલમાં જય ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે ડેલ્ફ કન્સલ્ટિંગ એજન્સીની ક્ષતિઓ અંગે પણ ઉલ્લેખ છે. જેથી કન્સલ્ટન્ટ કંપનીઓ સામે કડક કાર્યવાહી અને બે કંપનીઓ સામે પોલીસ ફરિયાદ થશે. આ સાથે જ આ મામલે સતીશ પટેલ ટેક્નિકલ ઈજનેર , અતુલ એસ પટેલ આસી.ઈજનેર, આશિષ આર પટેલ આસી ઈજનેર, મનોજ સોલકી આસી ઈજનેરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અને PMC ડાયરેક્ટર અને તેની ટિમ સામે પોલીસ કાર્યાવહી કરાશે.

અધિકારીઓ અને બ્રિજ બનાવનાર કંપનીની મિલીભગત
વર્ષ 2015માં બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી અને વર્ષ 2017માં પૂર્ણ કરવામાં આવી હતી. બ્રિજના કામ દરમિયાન કોન્ટ્રાકટર અજય એન્જીનીયરીંગ ઇન્ફ્રા પ્રા. લીમિટેડે પ્રોજેક્ટ સમયના રૂપિયા 1.99 કરોડ જેટલી બેન્ક ગેરંટી જમા કરાવી ન હતી. બ્રિજની ડિફેકટ લાયબિલિટી મુદત પૂર્ણ થઇ ગઈ અને 2017 વર્ક કમ્પ્લીશન સર્ટિફિકેટ અપાયું ત્યાં સુધી બેન્ક ગેરંટી લેવામાં જ આવી ન હતી. આમ અનેક પ્રકારે માત્ર લાલિયાવાડી જ રાખવામાં આવી હતી જે હવે ભ્રષ્ટાચારની ચાડી ખાઇ રહ્યું છે.

એક્સપર્ટ કમિટીના રિપોર્ટ બાદ કાર્યવાહી
સરકારી આદેશ બાદ મનપા કમિશનર બ્રિજની સ્થળ તપાસ કરવા પહોંચ્યા હતા અને બ્રિજનું નિરીક્ષણ કર્યું હતું. આ અંગે કમિશનરએ જણાવ્યું હતું કે, રૂડકી ખાતે રિપોર્ટ મોકલવામાં આવ્યા છે, રિપોર્ટ આવ્યા બાદ નિર્ણય લેવામાં આવશે અને જે તે અધિકારી જવાબદાર હશે તેમની સામે પગલાં લેવામાં આવશે. જે બાદ હાટકેશ્વર બ્રિજની તપાસ માટે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર દ્વારા એક કમિટી બનાવવામાં આવી ગતી. આ કમિટીમાં બ્રિજ એક્સપર્ટ, સ્ટ્રેન્ધન એક્સપર્ટ અને રૂડકીના અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. મ્યુનિસિપલ કમિશનર દ્વારા આ કમિટીને હાટકેશ્વર બ્રિજની તપાસ કરી 15 એપ્રિલ સુધીમાં તપાસ રિપોર્ટ જમા કરાવવાનો આદેશ આપવામાં આવ્યો હતો. ત્યારે હવે તપાસ કમિટીએ રિપોર્ટ મ્યુનિસિપલ કમિશનરને સોંપ્યો છે.