7મી મેએ ગુજરાતી સ્ટુડન્ડ આયુષ ડાંખરાની લાશ ટોરોન્ટોના લોરેન્સ એવન્યુ વિસ્તાર આસપાસના બ્રિજ નીચેથી મળી હતી
આયુષના મૃતદેહને ભાવનગરના સિદસર ખાતે લવાયો, પરિવારજનોમાં હૈયાફાટ રૂદન
કેનેડાના ટોરોન્ટોમાં ગુજરાતી સ્ટુડન્ટ આયુષ ડાંખરાનું શંકાસ્પદ સ્થિતિમાં મોત થયું છે અને હવે તેની લાશ જે સ્થળેથી મળી છે તેનો વીડિયો સામે આવ્યો છે. જે જોતાં આયુષ જોડે કંઇક અજુકતું બન્યું હોવાનું લાગી રહ્યું છે. આયુષનો મૃતદેહ સાતમી મેના રોજ એક બ્રિજ નીચેથી મળી આવ્યો હતો અને આ જગ્યા અત્યંત વેરાન લાગી રહી છે. હવે આયુષ કઇ પરિસ્થિતિમાં ત્યાં પહોંચ્યો તે જરૂર શંકા ઉપજાવી રહ્યું છે.
દોઢ દિવસ બાદ આયુષની લાશ પોલીસને મળી
આયુષના અંકલે આજે ભાવનગર ખાતે જણાવ્યું હતું કે તે કોલેજ જવા માટે નીકળ્યો હતો અને એક દિવસ બાદ ઘરે પરત ન આવતા તેના મિત્રોએ શોધખોળ આદરી હતી. ત્યારબાદ તેઓએ પાલનપુર ખાતે DYSP તરીકે ફરજ બજાવતા તેના પિતા રમેશ ભાઇ ડાંખરાને જાણ કરી હતી. તેમણે મિસિંગ કમ્પ્લેઇન નોંધાવવા આયુષના મિત્રોને જાણ કરી હતી, જેથી કેનેડા પોલીસે તપાસ હાથ ધરી હતી. જેના એક દિવસ બાદ આયુષની લાશ એક બ્રિજ નીચેથી મળી આવી હતી. જોકે તેના પોસ્ટમોર્ટમ અંગે કોઇ માહિતી હજુ સુધી પરિવારજનને મળી નથી. જેથી આ આત્મહત્યા છે કે હત્યા તે અંગે પરિવારે કોઇ માહિતી આપી નહતી.
PMO INDIA-CMO GUJARATથી મળી પરિવારને મદદ
ભાવનગર ખાતે આયુષના અંકલે જણાવ્યું હતું કે પરિવારને ભારતના પ્રધાનમંત્રી કાર્યાલય, મુખ્યમંત્રી કાર્યાલય અને રાજ્યસભા સાંસદ અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા તરફતી સહકાર મળ્યો હતો જેથી માત્ર એક સપ્તાહમાં જ મૃતદેહને એર એમ્બ્લુલન્સથી ભારત લાવવામાં આવ્યો હતો.
6 મહિના બાદ અભ્યાસ થવાનો હતો પૂર્ણ
આયુષ છેલ્લા સાડા ચાર વર્ષથી કેનેડામાં અભ્યાસ કરતો હતો અને યોર્ક યુનિવર્સિટીમાં તેના અભ્યાસને પૂર્ણ થવામાં માત્ર 6 મહિનાનો જ સમય બાકી હતો. જોકે હવે અચાનકથી તેના મૃત્યુથી પરિવાર પર પહાડ તૂટી પડ્યો છે. આયુષ પાંચમી મેથી ગુમ હતો અને તેના મિત્રો દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી જોકે તે ન મળી આવતા પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી. આ તરફ કેનેડા ખાતે રહેતા હ્યુમન ફોર હાર્મનીના ડોન પટેલે આયુષના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો હતો અને આમ અચાનક ભારતીય વિદ્યાર્થીઓના મોત પર શંકા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ભારતીય વિદ્યાર્થીઓ હાલના સમયમાં સચેત રહેવાની જરૂર છે.