દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન મળી શક્યા તેજ રીતે સંજય સિંહને પણ દિલ્હી લિકર પોલિસી કેસમાં જામીન મળ્યા, આ બંને નેતાઓને જેલમાંથી બહાર લાવવામાં કોંગ્રેસના એક નેતા અને જાણીતા વકીલે મોટી ભૂમિકા ભજવી હોવાની વાત સામે આવી છે.
જીહા,તેઓનું નામ અભિષેક મનુ સિંઘવી છે કે જેમણે સુપ્રીમ કોર્ટમાં બંને નેતાઓ માટે દલીલ કરી અને તેમને જામીન મળ્યા.
ઈન્ડિયા ટુડેના અહેવાલ મુજબ, આ મહિને એક કેસની સુનાવણી દરમિયાન, સુપ્રીમ કોર્ટના જસ્ટિસ બીઆર ગવઈએ સિંઘવીની તેમના સમયની પાબંદી માટે પ્રશંસા કરી હતી. ન્યાયાધીશે કહ્યું હતું કે, “દરેક વ્યક્તિએ ડૉ. અભિષેક મનુ સિંઘવી પાસેથી શીખવું જોઈએ કે કેવી રીતે યોગ્ય સમયે તમામ કોર્ટમાં હાજર રહેવું જોઈએ.” આના પર સોલિસિટર જનરલ તુષાર મહેતાએ પણ કોંગ્રેસના નેતાની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે, “ડૉ. સિંઘવી ક્યારેય રજા લેતા નથી.”
સુપ્રીમ કોર્ટમાં કેજરીવાલ વતી દલીલ કરતા અભિષેક મનુ સિંઘવીએ દારૂ નીતિ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ના આરોપોનો સટિક જવાબ આપ્યો હતો.
સિંઘવીએ કોર્ટને જણાવ્યું કે કેવી રીતે આચારસંહિતા લાગુ થયાના માત્ર પાંચ દિવસ બાદ કેજરીવાલની ધરપકડ કેમ કરવામાં આવી ? જ્યારે સિંઘવીએ આ મુદ્દો ઉઠાવ્યો ત્યારે સુપ્રીમ કોર્ટે સંકેત આપ્યો હતો કે તે કેજરીવાલને જામીન આપવા જઈ રહી છે અને
શુક્રવારે આ પ્રમાણે થયું કે જેમાં કોર્ટે કેજરીવાલને તા.1 જૂન સુધીના વચગાળાના જામીન આપ્યા.
આ અગાઉ આપ નેતા સંજય સિંહના કેસમાં પણ અભિષેક મનુ સિંઘવીએ સુપ્રીમ કોર્ટને કહ્યું હતું કે પાંચ મહિના સુધી કસ્ટડીમાં રાખ્યા પછી પણ ED AAP નેતા વિરુદ્ધ કોઈ પુરાવા રજૂ કરી શક્યું નથી.
ED અને CBI માટે સરકારી સાક્ષી બનેલા બિઝનેસમેન દિનેશ અરોરાના નિવેદનના આધારે જ સંજય સિંહની ધરપકડ કરવામાં આવી છે.
સિંઘવીએ કોર્ટને કહ્યું કે અરોરાના 9 નિવેદનોમાં સંજય સિંહનો કોઈ ઉલ્લેખ નથી, જ્યારે 10માં નિવેદનમાં AAP નેતાનું નામ લીધા બાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી.
ત્યારબાદ સંજય સિંહને 4 એપ્રિલે જામીન મળ્યા હતા.
કોણ છે અભિષેક મનુ સિંઘવી?
અભિષેક મનુ સિંઘવીનો જન્મ 24 ફેબ્રુઆરી 1959ના રોજ રાજસ્થાનના જોધપુરમાં થયો હતો. તે શરૂઆતથી જ અભ્યાસમાં ખૂબ જ સારો હતો. દિલ્હીની સેન્ટ કોલમ્બા સ્કૂલમાંથી અભ્યાસ પૂરો કર્યા પછી, તેમણે દિલ્હી યુનિવર્સિટીની પ્રતિષ્ઠિત સેન્ટ સ્ટીફન્સ કોલેજમાંથી અર્થશાસ્ત્રમાં સ્નાતકની ડિગ્રી મેળવી. તે જ સમયે, તેમણે ટ્રિનિટી કોલેજ, કેમ્બ્રિજમાંથી પીએચડી કર્યું અને પછી હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી ‘પબ્લિક ઇન્ટરનેશનલ લો’ (PIL) માં કોર્સ કર્યો.
સિંઘવીની ગણના દેશના ટોચના વકીલોમાં થાય છે, જેઓ એકવાર કોર્ટમાં હાજર થવા માટે 20.5 લાખ રૂપિયાની તગડી ફી લે છે. કોંગ્રેસના પ્રવક્તા તરીકે સેવા આપવા ઉપરાંત, તેઓ યુપીએ 2 શાસન દરમિયાન કાયદા અને ન્યાય પર સંસદીય સ્થાયી સમિતિના અધ્યક્ષ હતા. તેમણે ભારતના એડિશનલ સોલિસિટર જનરલ (ASG) તરીકે પણ સેવા આપી છે.
તે ઘણીવાર કેટલાક જાણીતા કેસ દરમિયાન દલીલો રજૂ કરતા જોવા મળે છે.