મંદિર સુરક્ષા અનુદાન માટે હિન્દુ પરિષદે ફેડરલ સરકારનો આભાર માન્યો

નમસ્કાર ગુજરાત ન્યૂઝ.
ઓસ્ટ્રેલિયામાં છેલ્લા કેટલાક સમયથી અસામાજિક તત્વો દ્વારા હિન્દુ મંદિરોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે અને જેની સામે અનેક સવાલો ઉભા થયા છે કારણ કે હજુ સુધી એક વ્યક્તિની હુમલા બદલ ધરપકડ કરાઇ નથી. આ જ કારણોસર ટિકાનો ભોગ બનનારી એન્થની અલ્બેનિસ સરકારે લોકોની આસ્થા સમાન સ્થાનોની સુરક્ષા કરવાનો નિર્ણય કર્યો છે. અલ્બેનીઝ સરકાર અને એટર્ની જનરલ ધ હોન માર્ક ડ્રેફસ KC MP એ સલામતી અને સુરક્ષા વધુ સુદૃઢ બનાવવા માટે આસ્થા આધારિત સ્થાનોને સુરક્ષિત કરવામાં મદદ કરવા $40 મિલિયનની ગ્રાન્ટની જાહેરાત કરી છે.

ઓસ્ટ્રેલિયાની હિન્દુ કાઉન્સિલ આ અનુદાન માટે વડાપ્રધાન એન્થની અલ્બેનીસનો આભાર માન્યો છે. તાજેતરના દિવસોમાં સમગ્ર ઓસ્ટ્રેલિયામાં હિંદુ મંદિરો તોડફોડના હુમલાનું નિશાન બન્યા છે. આ ગ્રાન્ટ હિંદુ મંદિરોને તેમના પૂજા સ્થાનોને સલામતી અપગ્રેડ કરવામાં મદદ કરશે, જેમ કે વાડ, લાઇટિંગ, સુરક્ષા કેમેરા, ટ્રાફિક અવરોધો, એલાર્મ સિસ્ટમ્સ, એક્સેસ કંટ્રોલ અને સુરક્ષા રક્ષકો જેવા સાધનો વસાવવામાં મોટો ફાળો આપી શકે છે.

હિન્દુ કાઉન્સિલે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે તમામ હિંદુ મંદિરો અને હિંદુ સમુદાય વતી અમે એટર્ની જનરલ અને વડા પ્રધાનનો આ સમયસર પગલાં માટે આભાર માનીએ છીએ.

સિક્યોરિંગ ફેઇથ-બેઝ્ડ પ્લેસીસ ગ્રાન્ટ પ્રોગ્રામ જુલાઈ 2023માં અરજીઓ માટે ખુલશે. વિગતો ઓસ્ટ્રેલિયન સરકારની ગ્રાન્ટકનેક્ટ વેબસાઇટ https://help.grants.gov.au પર પ્રકાશિત કરવામાં આવશે.