IPL 2024 22 માર્ચથી શરૂ થશે. આઈપીએલના અધ્યક્ષ અરુણ ધૂમલે મંગળવારે સમાચાર એજન્સી પીટીઆઈને આ વાતની પુષ્ટિ કરી. સામાન્ય ચૂંટણીઓ હોવા છતાં, સમગ્ર ટુર્નામેન્ટ ભારતમાં જ રમાશે.

ચૂંટણી એપ્રિલ અને મે મહિનામાં થવાની ધારણા છે અને આ જ મુખ્ય કારણ છે કે IPLની 17મી આવૃત્તિનું શેડ્યૂલ હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી. ધૂમલે કહ્યું કે શરૂઆતમાં ફક્ત પ્રથમ 15 દિવસનું શેડ્યૂલ જાહેર કરવામાં આવશે. બાકીની મેચોની યાદી સામાન્ય ચૂંટણીની તારીખોની જાહેરાત બાદ નક્કી કરવામાં આવશે.

શું કહ્યું અરુણ ધૂમલે?

આગામી મહિનાની શરૂઆતમાં લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થવાની ધારણા છે. ધૂમલે કહ્યું, ‘અમે 22 માર્ચથી ટૂર્નામેન્ટ શરૂ થવાની આશા રાખીએ છીએ. અમે સરકારી એજન્સીઓ સાથે નજીકથી કામ કરી રહ્યા છીએ અને પહેલા પ્રારંભિક શેડ્યૂલ જાહેર કરીશું. સમગ્ર ટુર્નામેન્ટ ભારતમાં જ યોજાશે.

2009 માં આ ટુર્નામેન્ટ દ. આફ્રિકામાં રમાઈ હતી

માત્ર 2009માં જ આઈપીએલ સંપૂર્ણ રીતે વિદેશ (દક્ષિણ આફ્રિકા)માં રમાઈ હતી, જ્યારે 2014માં સામાન્ય ચૂંટણીઓને કારણે યુએઈમાં કેટલીક મેચો રમાઈ હતી. જો કે, 2019માં સામાન્ય ચૂંટણીઓ હોવા છતાં આ ટુર્નામેન્ટ ભારતમાં યોજાઈ હતી. આઈપીએલ સમાપ્ત થયાના થોડા દિવસો બાદ જ T20 વર્લ્ડ કપ શરૂ થશે તે જોતાં, 26 મેના રોજ ફાઈનલ યોજાય તેવી શક્યતા છે.

જૂનમાં ટી20 વર્લ્ડ કપ

ભારત વર્લ્ડ કપમાં તેની પ્રથમ મેચ 5 જૂને આયર્લેન્ડ સામે રમશે, જ્યારે ICC ટૂર્નામેન્ટની શરૂઆત 1 જૂને અમેરિકા અને કેનેડા વચ્ચેની મેચથી થશે. IPLની પ્રથમ મેચ ગત વર્ષની ફાઇનલિસ્ટ ટીમો વચ્ચે રમાય છે. આવી સ્થિતિમાં, આ વર્ષની પ્રથમ મેચ 2023 IPLની વિજેતા ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સ અને ઉપવિજેતા ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાશે.

મિચેલ સ્ટાર્ક સૌથી મોંઘો ખેલાડી છે

2024 સીઝન માટે ખેલાડીઓની હરાજી ગયા વર્ષે ડિસેમ્બરમાં થઈ હતી. આ મીની હરાજીમાં 300થી વધુ ખેલાડીઓનું ભાવિ દાવ પર હતું. જો કે, તેમાંથી માત્ર 72 ખેલાડીઓ પર જ બોલી લગાવવામાં આવી હતી. ઓક્શનમાં ઓસ્ટ્રેલિયાનો ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્ક સૌથી મોંઘો ખેલાડી રહ્યો હતો. તેને કોલકાતા નાઈટ રાઈડર્સે 24.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. જ્યારે પેટ કમિન્સને સનરાઇઝર્સ હૈદરાબાદે 20.50 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. આ હરાજીમાં છ ખેલાડીઓ પર 10 કરોડ રૂપિયા કે તેથી વધુની બોલી લગાવવામાં આવી હતી. કુલ 39 ખેલાડીઓ કરોડપતિ બન્યા, એટલે કે તેમના પર એક કરોડ કે તેથી વધુની બોલી લગાવવામાં આવી.

હરાજીમાં ભારત તરફથી હર્ષલ પટેલ સૌથી મોંઘો વેચાયો હતો. તેને પંજાબ કિંગ્સે 11.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.
સમીર રિઝવી આ હરાજીમાં સૌથી મોંઘો અનકેપ્ડ ખેલાડી હતો. તેને ચેન્નાઈ સુપર કિંગ્સે 8.40 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. હરાજી પહેલા તમામ ટીમો પાસે કુલ 262.95 કરોડ રૂપિયાનો ખર્ચ હતો. 10 ટીમોએ કુલ 230.45 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. આ હરાજીમાં કુલ નવ અનકેપ્ડ ખેલાડીઓ કરોડપતિ બન્યા અને તમામ ભારતીય છે.