ટ્રાન્ઝિટ વિઝા પર ગુમ થવાની મોડસ ઓપરેન્ડી: એજન્ટની પલટીથી લાખો રૂપિયા ડૂબ્યા, મલેશિયા અને ફિજીમાં એક મહિનાથી લઈને ચારેક મહિનાથી કેદ જેવી સ્થિતિમાં ફસાયા
વિદેશમાં, ખાસ કરીને ઓસ્ટ્રેલિયામાં સ્થાયી થવાની ઘેલછા ધરાવતા 35 જેટલા ગુજરાતીઓ હાલમાં માનવ તસ્કરીના આંતરરાષ્ટ્રીય રેકેટનો ભોગ બન્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ લોકો મલેશિયા અને ફિજીમાં એક મહિનાથી લઈને ચારેક મહિનાથી કેદ જેવી સ્થિતિમાં ફસાયા છે, કારણ કે જે એજન્ટ સાથે તેમણે ડીલ કરી હતી તેણે જ હવે પલટી મારી છે.
અમેરિકાના વિઝા નિયમો કડક થતાં, ગુજરાતી સહિતના અમુક લોકો હવે વાયા મલેશિયા થઈને કેનેડા અથવા ટ્રાન્ઝિટ વિઝા પર ઓસ્ટ્રેલિયા પહોંચવાના પ્રયાસ કરી રહ્યા છે.
ઓસ્ટ્રેલિયા માટેની નવી ‘લાઇન’: ફિજીનો રૂટ
ઓસ્ટ્રેલિયા પહોંચીને એરપોર્ટની બહાર નીકળતા જ ગાયબ થઈ જનારા (Overstayers) લોકો પણ આ લાઇનથી ત્યાં પહોંચવાના પ્રયાસમાં મલેશિયા લેન્ડ થયા હોવાનું કહેવાઈ રહ્યું છે.
સૂત્રોનું માનવું છે કે, હાલ મલેશિયામાં કેનેડા જવા વાળા છ ગુજરાતીઓ બેઠા છે, જ્યારે દસ ઓસ્ટ્રેલિયા જનારા છે. તેવી જ રીતે, ઓસ્ટ્રેલિયાના 15-20 પેસેન્જર્સ હાલ ફિજીમાં બેઠા છે.
જેમને ફિજી મોકલવામાં આવ્યા છે, તેમને ત્યાંથી વાયા ઓસ્ટ્રેલિયા થઈને જતી કોઈ કનેક્ટિંગ ઇન્ટરનેશનલ ફ્લાઇટમાં ટ્રાન્ઝિટ વિઝા પર ઓસ્ટ્રેલિયા ઉતારવાનો વાયદો કરાયો છે.
ટ્રાન્ઝિટ વિઝા પર ગૂમ થવાની મોડસ ઓપરેન્ડી: ઓસ્ટ્રેલિયાના મોટાભાગના એરપોર્ટ્સ પર રાત્રિ દરમિયાન ફ્લાઇટ્સ બંધ થઈ જતી હોવાથી, ટ્રાન્ઝિટ વિઝા પર લેન્ડ થયેલા લોકો હોટેલનું બુકિંગ બતાવીને એરપોર્ટની બહાર નીકળી જાય છે. આવા લોકોને બીજા દિવસની સવારની ફ્લાઇટ લેવાની હોય છે, પરંતુ એરપોર્ટની બહાર નીકળ્યા બાદ તેઓ પાછા આવતા જ નથી અને ગેરકાયદેસર રીતે દેશમાં ગૂમ થઈ જાય છે.
‘પ્રિન્સ પાજી’નું માનવ તસ્કરીનું રેકેટ
મલેશિયાથી ઓપરેટ કરતા આ મુખ્ય એજન્ટનું નામ પ્રિન્સ પાજી હોવાનું જાણવા મળ્યું છે. તે કુઆલાલમ્પુર (Kuala Lumpur) લેન્ડ થતા લોકોને ડાયરેક્ટ પોતાની સાથે ડીલ કરવાનું કહી સસ્તામાં ઓસ્ટ્રેલિયા કે કેનેડા પહોંચાડી દેવાના વાયદા કરી પૈસા પડાવે છે.
- એજન્ટે અત્યાર સુધી માત્ર ઉત્તર ગુજરાતના એક યુવકને ચાર દિવસમાં ઓસ્ટ્રેલિયા ઉતારી દીધો હતો. તે સિવાય તેણે કોઈ ગુજરાતીને ઓસ્ટ્રેલિયા કે કેનેડા પહોંચાડ્યા હોય તેવી કોઈ જ માહિતી નથી.
- આ એજન્ટ કપલને ઓસ્ટ્રેલિયા પહોંચાડવાના લગભગ 40 લાખની આસપાસનો ભાવ કહે છે, જ્યારે કેનેડા માટે 50 લાખ લે છે.
એજન્ટે પોતાના પેસેન્જર્સને કુઆલાલમ્પુરથી દોઢેક કલાક દૂર આવેલા શાહ આલમ નામના એક સિટીમાં રાખ્યા હોવાનું જાણવા મળ્યું છે. આમાંથી મોટાભાગના લોકો તેને લાખો રૂપિયા આપી ચૂક્યા છે, પરંતુ પૈસા મળ્યા બાદ પ્રિન્સ પાજી તેમને ના તો આગળ મોકલી રહ્યો છે કે ના તો તેમને મલેશિયામાં સરખું જમવાનું મળી રહ્યું છે.
સૂત્રોના મતે, જે ગુજરાતીઓ હાલ મલેશિયામાં છે તેમાં અમુક મહિલાઓનો પણ સમાવેશ થાય છે અને એક મહિલા ગર્ભવતી હોવાનું પણ જાણવા મળ્યું છે. લાખો રૂપિયા ચૂકવી દીધા હોવાથી હવે આ લોકો ઇન્ડિયા પાછા આવી શકે તેમ નથી, અને પ્રિન્સ તેમને આગળ મોકલવામાં ઠાગાઠૈયા કરી રહ્યો હોવાથી તેઓ મલેશિયા અને ફિજીમાં અટવાઈ ગયા છે.