શ્રીલંકાને જીતવા માટે છેલ્લી ઓવરમાં 13 રનની જરૂર હતી
ભારતીય ટીમે 20 ઓવરમાં 5 વિકેટે 162 રન બનાવ્યા હતા. જવાબમાં શ્રીલંકાની ટીમ નિર્ધારિત ઓવરમાં 160 રન જ બનાવી શકી
શિવમ માવીની ઘાતક બોલિંગ અને દીપક હુડા અને અક્ષર પટેલની વિસ્ફોટક બેટિંગના કારણે ટીમ ઈન્ડિયાએ મુંબઈના વાનખેડે ખાતે રમાયેલી પ્રથમ ટી-20માં શ્રીલંકાને 2 રને હરાવ્યું હતું. આ સાથે જ ભારતે ત્રણ મેચની શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે.
આ મેચમાં પ્રથમ રમત રમીને ભારતીય ટીમે 20 ઓવરમાં 5 વિકેટે 162 રન બનાવ્યા હતા. જવાબમાં શ્રીલંકાની ટીમ નિર્ધારિત ઓવરમાં 160 રન જ બનાવી શકી હતી. ભારત તરફથી નવોદિત શિવમ માવીએ સૌથી વધુ ચાર વિકેટ લીધી હતી. અને સ્પીડ સ્ટાર ઉમરાન મલિકે બે વિકેટ ઝડપી હતી.
છેલ્લા બોલ પર ટીમ ઈન્ડિયાનો વિજય થયો હતો
ચમિકા કરુણારત્નેએ મેચ લગભગ શ્રીલંકાના ખિસ્સામાં મૂકી દીધી હતી, પરંતુ અક્ષર પટેલે છેલ્લી ઓવરમાં સમજદારી સાથે બોલિંગ કરીને ટીમ ઈન્ડિયાને છેલ્લા બોલ પર વિજય અપાવ્યો હતો. કરુણારત્નેએ 16 બોલમાં બે છગ્ગાની મદદથી 23 રન બનાવ્યા, પરંતુ તે પોતાની ટીમને જીત અપાવી શક્યો નહીં. શ્રીલંકાને જીતવા માટે છેલ્લી ઓવરમાં 13 રનની જરૂર હતી.
શ્રીલંકાની શરૂઆત ઘણી ખરાબ રહી હતી
ભારત તરફથી મળેલા 163 રનના ટાર્ગેટના જવાબમાં શ્રીલંકાની ટીમની શરૂઆત ઘણી ખરાબ રહી હતી. ઓપનર પથુમ નિસાંકા 01, ત્રીજા નંબરે બેટિંગ કરવા આવેલા ધનંજય ડી સિલ્વા 08 રન બનાવીને આઉટ થયા હતા. આ પછી ચરિથ અસલંકા પણ માત્ર 12 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. આ પછી સેટ ઓપનર કુસલ મેન્ડિસ પણ 25 બોલમાં 28 રન બનાવીને આઉટ થયો હતો. આ દરમિયાન તેણે પાંચ ચોગ્ગા ફટકાર્યા હતા.
દાસુન શનાકાની સુકાનીપદની ઇનિંગ્સ કામમાં આવી ન હતી
51 રનમાં ચાર વિકેટ પડી ગયા બાદ શ્રીલંકાના ચાહકોને ભાનુકા રાજપક્ષે પાસેથી ઘણી આશાઓ હતી જ, પરંતુ તે પણ ભારતીય બોલરો સામે લાંબો સમય ટકી શક્યો નહીં અને માત્ર 12 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો. જ્યાં એક બાજુ નિયમિતપણે વિકેટો પડી રહી હતી. બીજા છેડે સુકાની દાસુન શનાકા મોટા શોટ મારતો રહ્યો. એક સમયે, તેણે અને વાનિન્દુ હસરંગાએ શ્રીલંકાની ટીમને મેચમાં પરત લાવ્યો હતો, પરંતુ ઉમરાન મલિકે શનાકાને આઉટ કરીને મેચ ભારતના હાથમાં પાછી આપી દીધી હતી.
હસરંગાએ 10 બોલમાં એક ફોર અને બે સિક્સરની મદદથી 21 રન બનાવ્યા હતા. તે જ સમયે, કેપ્ટન શનાકાએ 27 બોલમાં 45 રનની વિસ્ફોટક ઇનિંગ રમી હતી. તેણે ત્રણ ચોગ્ગા અને ત્રણ છગ્ગા ફટકાર્યા હતા.
અક્ષર પટેલ અને દીપક હુડ્ડાની ઝડપી ઇનિંગ્સ
આ પહેલા ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે શાનદાર શરૂઆત કરી હતી. ઓપનર શુભમન ગિલ અને ઈશાન કિશને માત્ર 2.3 ઓવરમાં 27 રન બનાવ્યા, પરંતુ વચ્ચેની ઓવરોમાં સતત વિકેટો પડતી રહી. એક સમયે ટીમ ઈન્ડિયા 14.1 ઓવરમાં 94 રનમાં 5 વિકેટ ગુમાવીને સંઘર્ષ કરી રહી હતી, પરંતુ અક્ષર પટેલ અને દીપક હુડ્ડાની ઝડપી ઇનિંગે ટીમનો સ્કોર 20 ઓવરમાં 162 રન સુધી પહોંચાડ્યો હતો. દીપક હુડા અને અક્ષર પટેલે છઠ્ઠી વિકેટ માટે 35 બોલમાં અણનમ 68 રનની ભાગીદારી કરી હતી. હુડ્ડાએ 23 બોલમાં અણનમ 41 અને પટેલે 20 બોલમાં અણનમ 31 રન બનાવ્યા હતા.