ઇંગ્લેન્ડ વિરૂદ્ધ પાંચમી ટેસ્ટ માટે ટીમ ઈન્ડિયાનું એલાન, કાઉન્ટી ક્રિકેટમાં કરેલા સર્વશ્રેષ્ઠ પ્રદર્શનને પગલે પૂજારાને પણ ટીમમાં અપાયું સ્થાન, ઈશાંત શર્મા બહાર
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે BCCIએ રવિવારે દક્ષિણ આફ્રિકા સામેની T20 શ્રેણી અને જુલાઈમાં ઈંગ્લેન્ડ સામેની એકમાત્ર ટેસ્ટ મેચ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી છે. ટી20 શ્રેણીમાં ઘણા નવા ખેલાડીઓને તક આપવામાં આવી છે, ત્યારે પસંદગીકારોએ ટેસ્ટ મેચ માટે જૂના અને અનુભવી ખેલાડીઓ પર વિશ્વાસ દર્શાવ્યો છે. ચેતેશ્વર પૂજારાની પણ ટીમમાં વાપસી થઈ છે.
પૂજારાની વાપસી, કાઉન્ટીનુ પ્રદર્શન કામ આવ્યું
રોહિત શર્માની કેપ્ટન્સીવાળી ટીમ ઈન્ડિયાની ઈંગ્લેન્ડ સામેની એકમાત્ર ટેસ્ટ મેચ માટે જાહેરાત કરવામાં આવી છે. ટેસ્ટ ટીમની દીવાલ અને સૌથી ભરોસાપાત્ર ગણાતા ચેતેશ્વર પૂજારાની પણ ફરી એકવાર વાપસી થઈ છે. પૂજારા છેલ્લા કેટલાક સમયથી આઉટ ઓફ ફોર્મ હતો જેના કારણે તેને અને અજિંક્ય રહાણેને ટીમમાંથી બહાર કરવામાં આવ્યા હતા. પરંતુ તાજેતરમાં, પૂજારાએ સતત અનેક સદી ફટકારીને કાઉન્ટીમાં લયમાં પરત ફર્યા છે. જે બાદ તેને ફરીથી ટીમમાં તક આપવામાં આવી છે.
ટીમ ઈન્ડિયા ખૂબ જ મજબૂત
તમને જણાવી દઈએ કે 5 મેચની ટેસ્ટ સિરીઝની 4 મેચ બાદ ટીમ ઈન્ડિયા 2-1થી આગળ છે. પરંતુ ગયા વર્ષે કોરોનાના કેસ વધવાને કારણે આ સિરીઝની છેલ્લી મેચ રમાઈ ન હતી. ભારતીય ટીમમાં કેએલ રાહુલ, વિરાટ કોહલી અને રિષભ પંત જેવા મજબૂત બેટ્સમેન સામેલ છે. તે જ સમયે, બોલિંગ લાઇનઅપમાં જસપ્રિત બુમરાહ, મોહમ્મદ શમી અને ઉમેશ યાદવ જેવા અનુભવી ખેલાડીઓનો સમાવેશ થાય છે. જો ભારતીય ટીમ આ મેચ જીતે છે તો સિરીઝ 3-1થી પોતાના નામે કરી લેશે.
ઈશાંત શર્મા આઉટ
ગત વર્ષે ઈંગ્લેન્ડ પ્રવાસ પર ટીમ ઈન્ડિયાનો ભાગ બનેલા ઈશાંત શર્માને આ વર્ષે ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે. ઈશાંતની જગ્યાએ પસંદગીકારોએ પ્રસિદ્ધ કૃષ્ણા પર વધુ વિશ્વાસ દર્શાવ્યો છે. તે જ સમયે, સિરાજ જેવા યુવા ઝડપી બોલરને પણ સ્થાન આપ્યું છે. આ ઉપરાંત રિદ્ધિમાન સાહાની જગ્યાએ કેએસ ભરતને ફરી એકવાર રિઝર્વ વિકેટકીપર તરીકે તક મળી છે.
ઈંગ્લેન્ડ સામેની પાંચમી ટેસ્ટ માટે ટીમ ઈન્ડિયાઃ
રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઈસ-કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, હનુમા વિહારી, ચેતેશ્વર પૂજારા, ઋષભ પંત (વિકેટકીપર), કેએસ ભરત (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, આર અશ્વિન, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, ઉમેશ યાદવ, પ્રસિદ્ધ ક્રિષ્ના.