Bay of Plenty સ્થિત કિવિફ્રૂટ ઉદ્યોગમાં વર્કર પૂરા પાડતી કંપની Top Produce Limited હવે સત્તાવાર રીતે લિક્વિડેશન હેઠળ
બે ઓફ પ્લેન્ટી (Bay of Plenty) સ્થિત કિવિફ્રૂટ ઉદ્યોગમાં મજૂરો પૂરા પાડતી કંપની Top Produce Limited હવે સત્તાવાર રીતે લિક્વિડેશનમાં ગઈ છે. ઇનલેન્ડ રેવન્યુ ડિપાર્ટમેન્ટ (IRD) દ્વારા લેણાં વસૂલવા માટે કરવામાં આવેલી અરજી બાદ હાઈકોર્ટે આ આદેશ આપ્યો છે.
Top Produce Limited એ બે ઓફ પ્લેન્ટી (Bay of Plenty) માં આવેલી એક જાણીતી લેબર કોન્ટ્રાક્ટિંગ કંપની હતી, જેની સ્થાપના ૨૦૧૯ માં કરવામાં આવી હતી. આ કંપની મુખ્યત્વે કિવિફ્રૂટ ઉદ્યોગમાં બગીચાઓ અને પેકહાઉસ માટે મજૂરો (Labour) પૂરા પાડવાનું કામ કરતી હતી. કંપનીના એકમાત્ર માલિક અને ડાયરેક્ટર કુલદીપ સિંહ (Kuldeep Singh) છે.
લિક્વિડેશનનું મુખ્ય કારણ (ટેક્સ દેવું)આ કંપની હવે સત્તાવાર રીતે લિક્વિડેશનમાં ગઈ છે કારણ કે તે ઇનલેન્ડ રેવન્યુ ડિપાર્ટમેન્ટ (IRD) ના બાકી લેણાં ચૂકવવામાં નિષ્ફળ રહી છે. કંપની પર અંદાજે $1.5 મિલિયન (આશરે ૧૨.૫ કરોડ રૂપિયા) નું દેવું છે. આ દેવામાં મુખ્યત્વે કર્મચારીઓના પગારમાંથી કાપવામાં આવેલ PAYE ટેક્સ, GST અને સમયસર નાણાં ન ભરવા બદલ લાદવામાં આવેલી પેનલ્ટીનો સમાવેશ થાય છે.
કર્મચારીઓના બાકી લેણાં અને ગેરરીતિ
લિક્વિડેટરના પ્રથમ અહેવાલ મુજબ, કંપનીએ માત્ર સરકારનો ટેક્સ જ નથી બાકી રાખ્યો, પરંતુ કર્મચારીઓના હિતોનું પણ ઉલ્લંઘન કર્યું છે. અહેવાલમાં જણાવાયું છે કે ઘણા કામદારોના બાકી પગાર અને હોલીડે પે (Holiday Pay) ચૂકવવામાં આવ્યા નથી. વધુમાં, કંપની પાસે યોગ્ય નાણાકીય રેકોર્ડ પણ ઉપલબ્ધ નથી, જેના કારણે તપાસમાં મુશ્કેલી પડી રહી છે.
કિવિફ્રૂટ ઉદ્યોગમાં વ્યાપક તપાસ (IRD Crackdown)
ન્યુઝીલેન્ડના ટેક્સ વિભાગે હાલમાં કિવિફ્રૂટ ઉદ્યોગમાં ચાલતી ગેરરીતિઓ સામે મોટી ઝુંબેશ ચલાવી છે. તાજેતરમાં જ Saran Contracting અને Gurukirpa Contracting જેવી અન્ય મોટી કંપનીઓ પણ $57 મિલિયન ના જંગી ટેક્સ દેવાને કારણે બંધ કરવામાં આવી છે. IRD એ સ્પષ્ટ કર્યું છે કે જે કંપનીઓ કર્મચારીઓના પગારમાંથી ટેક્સ કાપે છે પણ સરકારમાં જમા નથી કરાવતી, તેમની સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
Zespri અને ઉદ્યોગના કડક નિયમો
કિવિફ્રૂટના મુખ્ય નિકાસકાર Zespri એ પણ આવા કોન્ટ્રાક્ટરો સામે લાલ આંખ કરી છે. જેસ્પ્રીએ ‘Top Produce’ જેવી અનેક કંપનીઓના ‘Compliance Certificates’ રદ કર્યા છે. હવે ખેડૂતો અને બગીચાના માલિકોને સૂચના આપવામાં આવી છે કે તેઓએ માત્ર એવા જ કોન્ટ્રાક્ટરો સાથે કામ કરવું જેમના ટેક્સ અને મજૂર કાયદાના રેકોર્ડ એકદમ ક્લીન હોય.