ટાટા ગ્રૂપ તેમની ત્રણેય એરલાઈન્સનું કરી શકે છે મર્જર, હાલ આ દિશામાં પ્રક્રિયા શરૂ કરવામાં આવી
ટાટા ગ્રૂપના પોતાના એરલાઇન બિઝનેસ માટે મોટું આયોજન ચાલી રહ્યું છે. ટાટા સન્સ હવે તેની તમામ એરલાઈન્સને એર ઈન્ડિયાની છત્રછાયા હેઠળ લાવી શકે છે. જેમાં વિસ્તારા, એર એશિયા અને એર ઈન્ડિયા એક્સપ્રેસનો સમાવેશ થાય છે. અહેવાલો અનુસાર, તેમને એર ઈન્ડિયા સાથે મર્જ કરવાની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે. જો ટાટા સન્સનું આ આયોજન સફળ થશે તો એર ઈન્ડિયા કાફલા અને બજાર હિસ્સાની દૃષ્ટિએ દેશની બીજી સૌથી મોટી એરલાઈન બની જશે.
ટાટાએ સિંગાપોર એરલાઈન્સ સાથે શરૂ કરી વાતચીત
ટાટાએ આ અંગે સિંગાપોર એરલાઈન્સ સાથે ચર્ચા કરી છે અને તે વિસ્તારાને ટાટા સાથે મર્જ કરવા સંમત થઈ છે. સિંગાપોર એરલાઇન્સ ટાટા ગ્રૂપના વિસ્તારામાં ભાગીદાર છે અને આ મર્જર પછી વિસ્તારાને ચલાવતી ટાટા સિંગાપોર એરલાઇન્સ એર ઇન્ડિયા સાથે મર્જ થઈ શકે છે. ઈકોનોમિક ટાઈમ્સના અહેવાલ મુજબ આ સમાચાર આવ્યા છે.
મર્જર પછી શું થશે ?
આ કોન્સોલિડેશન પછી એર ઈન્ડિયા હેઠળ ઓછી કિંમતની એરલાઈન અને ફુલ સર્વિસ એરલાઈન બની શકે છે. આ સમગ્ર પ્રક્રિયા પૂર્ણ થવામાં એક વર્ષનો સમય લાગી શકે છે. વિસ્તારા અને એર ઈન્ડિયા ટૂંક સમયમાં કોમર્શિયલ ઓપરેશન શરૂ કરી શકે છે. જો કે ટાટા સન્સ અને વિસ્તારાએ હાલમાં આ અંગે કોઈ ટિપ્પણી કરી નથી.
વિસ્તારામાં સિંગાપોર એરલાઈન્સનો હિસ્સો ઘટાડવામાં આવશે
હાલમાં, સિંગાપોર એરલાઇન્સ વિસ્તારાની મૂળ કંપની ટાટા સિંગાપોર એરલાઇન્સમાં 49 ટકા હિસ્સો ધરાવે છે, પરંતુ મર્જરની પ્રક્રિયા હેઠળ, વિસ્તારામાં સિંગાપોર એરલાઇન્સનો હિસ્સો ઘટાડીને 20-25 ટકા સુધી લાવી શકાય છે. આ પ્રક્રિયા હેઠળ વિસ્તારાના કેટલાક બોર્ડ સભ્યોને એર ઈન્ડિયાના બોર્ડમાં સામેલ કરવાની યોજના છે. ટાટા સન્સ વિસ્તારામાં 51 ટકા હિસ્સો ધરાવે છે.