IPL 2024 સીઝન પૂર્ણ થયા બાદ તરત જ 1 જૂનથી અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝમાં T20 વર્લ્ડ કપ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થયું છે.
આ માટેની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે અને ઘણી ટીમોએ પોતાના ખેલાડીઓના નામની જાહેરાત પણ કરી દીધી છે ત્યારે વેસ્ટ ઈન્ડિઝને T20 વર્લ્ડ કપ દરમિયાન આતંકવાદી હુમલાની ચેતવણી મળી છે.
જોકે, ક્રિકેટ વેસ્ટ ઈન્ડિઝ (CWI) એ સુરક્ષાની ખાતરી આપી છે.
T20 વર્લ્ડ કપ દરમિયાન આતંકવાદી હુમલાની ધમકી ઉત્તર પાકિસ્તાન તરફથી મળી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પ્રો ઈસ્લામિક સ્ટેટ (IS) એ સ્પોર્ટિંગ ઈવેન્ટ્સ દરમિયાન હુમલા કરવાની યોજના બનાવી છે. આઈએસ ખોરાસાનની અફઘાનિસ્તાન-પાકિસ્તાન શાખા તરફથી એક વીડિયો સંદેશ જાહેર કરવામાં આવ્યો છે જેમાં તેણે ઘણા દેશોમાં હુમલા કરવાની વાત કરી છે અને સમર્થકોને તેમાં સામેલ થવાની અપીલ કરી છે.
T20 વર્લ્ડ કપના સહ-યજમાન ક્રિકેટ વેસ્ટ ઈન્ડિઝના સીઈઓ જોની ગ્રેવ્સે જણાવ્યું હતું કે, “અમે યજમાન દેશ અને શહેરના અધિકારીઓ સાથે મળીને કામ કરી રહ્યા છીએ અને કોઈપણ જોખમોનો સામનો કરવા સક્ષમ છીએ અમે ખાતરી આપવા માંગીએ છીએ કે T20 વર્લ્ડ કપમાં સામેલ દરેક વ્યક્તિની સુરક્ષા અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે.
અમારી પાસે વ્યાપક અને મજબૂત સુરક્ષા યોજના છે.
કેરેબિયન મીડિયાએ ત્રિનિદાદના વડા પ્રધાન કીથ રાઉલીને ટાંકીને કહ્યું હતું કે સુરક્ષા એજન્સીઓ કોઈપણ ખતરો સામે લડવા સક્ષમ છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ICC T20 વર્લ્ડ કપ દરમિયાન હુમલાની ચેતવણી બાદ બાર્બાડોસના પ્રાદેશિક સુરક્ષા અધિકારીઓ સતત સ્થિતિ પર નજર રાખી રહ્યા છે.
મહત્વનું છે કે જૂનથી વેસ્ટ ઈન્ડિઝમાં ટી-20 વર્લ્ડ કપની મેચો બાર્બાડોસ, ગયાના, એન્ટિગુઆ અને બાર્બુડા, સેન્ટ વિન્સેન્ટ, સેન્ટ લુસિયા, ગ્રેનેડાઈન્સ, ત્રિનિદાદ અને ટોબેગોમાં રમાશે.
વેસ્ટ ઈન્ડિઝ અને યુએસએ ટી-20 વર્લ્ડ કપ 2024ની સહ યજમાની કરવા જઈ રહ્યા છે,આવા સમયે પ્રો ઈસ્લામિક સ્ટેટના નાશિર પાકિસ્તાન મીડિયા ગ્રુપ તરફથી આતંકી હુમલાની ધમકી મળતા તંત્ર એલર્ટ થઈ ગયું છે.