ક્રિકેટ રસીયાઓ માટે મોટા સમાચાર સામે આવી રહયા છે અને આખરે ICC દ્વારા મેન્સ T20 વર્લ્ડ કપનું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે.
જેમાં જણાવાયા મુજબ આ ટુર્નામેન્ટ વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકાના 9 શહેરોમાં 1 થી 29 જૂન દરમિયાન યોજાશે.
જેમાં ભારત અને પાકિસ્તાન એક જ ગ્રુપમાં છે, બંને વચ્ચે ગ્રુપ સ્ટેજની મેચ 9 જૂને ન્યૂયોર્કમાં રમાશે અને ફાઈનલ મેચ 29 જૂને વેસ્ટ ઈન્ડિઝના બાર્બાડોસ શહેરમાં રમાશે.

T20 વર્લ્ડ કપમાં ખાસ વાત એ છે કે પહેલી વાર 20 ટીમનો સમાવેશ કરાયો છે,
અગાઉની બે સિઝનમાં દરેકમાં 16 ટીમ હતી. ઇંગ્લેન્ડ ડિફેન્ડિંગ ચેમ્પિયન છે, જ્યારે ભારત 2007માં ટુર્નામેન્ટનું ટાઈટલ જીતી ચૂક્યું હતું.

અમેરિકા અને કેનેડા વચ્ચે ઓપનિંગ મેચ, ફાઈનલ બાર્બાડોસમાં રમાશે

ટુર્નામેન્ટની શરૂઆતની મેચ કેનેડા અને અમેરિકા વચ્ચે તા.1 જૂને ન્યૂયોર્કમાં રમાશે.
સેમિફાઈનલ પહેલા કુલ 52 મેચ રમાશે, જેમાં ગ્રુપ સ્ટેજની 40 મેચ અને સુપર-8 સ્ટેજની 12 મેચ સામેલ છે.
પ્રથમ સેમિફાઈનલ 26 જૂને ગયાનામાં અને બીજી સેમિફાઈનલ 27 જૂને ત્રિનિદાદમાં રમાશે.
ફાઈનલ મેચ 29 જૂને બાર્બાડોસમાં રમાશે.
ટુર્નામેન્ટમાં 20 ટીમ વચ્ચે 29 દિવસ સુધી કુલ 55 મેચ રમાનાર છે, જે T20 વર્લ્ડ કપના અત્યારસુધીના ઈતિહાસમાં સૌ પ્રથમબાર બનવા જઈ રહ્યું છે.

–ભારત અને પાકિસ્તાન વચ્ચેની તમામ મેચ અમેરિકામાં યોજાશે

T20 વર્લ્ડ કપમાં 20 ટીમ ભાગ લેશે. 5-5 ટીમને 4 ગ્રુપમાં વહેંચવામાં આવી હતી અને ભારત અને પાકિસ્તાનને એક જ ગ્રુપમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
આયર્લેન્ડ, કેનેડા અને અમેરિકા પણ આ ગ્રુપમાં છે. ભારત અને પાકિસ્તાન તેમની તમામ મેચ અમેરિકામાં જ રમશે.

આપને જણાવી દઈએ કે ભારતની પ્રથમ મેચ 5 જૂને ન્યૂયોર્કમાં આયર્લેન્ડ સામે થશે.
બીજી મેચ 9 જૂને પાકિસ્તાન સામે ન્યૂયોર્કમાં, ત્રીજી મેચ 12 જૂને અમેરિકા સામે ન્યૂયોર્કમાં અને ચોથી મેચ 15 જૂને કેનેડા સામે ફ્લોરિડામાં થશે.