ભારત 196/5, બાંગ્લાદેશ 146/8, મેન ઓફ ધ મેચ હાર્દિક પંડ્યા 50 રન અને 1 વિકેટ, બુમરાહ-અર્શદીપને 2-2 વિકેટ મળી, કુલદીપના ફાળે 3 વિકેટ, કોહલી 37, પંત 36 રન
IND vs BAN T20 વર્લ્ડ કપ 2024: રોહિત શર્માની કપ્તાની હેઠળ, ભારતીય ટીમે ધમાલ મચાવી છે અને T20 વર્લ્ડ કપ 2024ની સેમિફાઇનલમાં પોતાનું સ્થાન લગભગ નિશ્ચિત કરી દીધું છે. તેણે સુપર-8 રાઉન્ડમાં સતત બીજી મેચ જીતી છે. ભારતીય ટીમે શનિવારે (22 જૂન) રમાયેલી મેચમાં બાંગ્લાદેશને 50 રનથી હરાવ્યું હતું.
આ હાર સાથે બાંગ્લાદેશની ટીમ સેમીફાઈનલની રેસમાંથી બહાર થઈ ગઈ છે. હવે આ ગ્રુપ-1માં આગામી મેચ રવિવારે સવારે ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાન વચ્ચે રમાશે. જો અફઘાનિસ્તાનની ટીમ આ મેચમાં હારી જશે તો ભારતીય ટીમની સેમીફાઈનલમાં પ્રવેશ નિશ્ચિત થઈ જશે.
બાંગ્લાદેશની ટીમ ભારતીય બોલરો સામે નિઃસહાય
ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની મેચ નોર્થ સાઉન્ડ, એન્ટિગુઆના સર વિવિયન રિચર્ડ્સ સ્ટેડિયમમાં રમાઈ હતી. મેચમાં ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે 197 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જવાબમાં બાંગ્લાદેશની ટીમ 8 વિકેટ ગુમાવીને 146 રન જ બનાવી શકી અને મેચ હારી ગઈ.
બાંગ્લાદેશ ટીમ માટે કેપ્ટન નઝમુલ હુસૈન શાંતોએ 32 બોલમાં સૌથી વધુ 40 રનની ઇનિંગ રમી હતી. જ્યારે તંજીદ હસને 29 રન અને રિશાદ હુસૈને 24 રન બનાવ્યા હતા. પરંતુ કોઈ પણ ટીમને જીત અપાવી શક્યું ન હતું. ભારતીય ટીમ તરફથી સ્પિનર કુલદીપ યાદવે સૌથી વધુ 3 વિકેટ લીધી હતી. જ્યારે જસપ્રિત બુમરાહ અને અર્શદીપ સિંહને 2-2 સફળતા મળી હતી.
ભારતીય બેટ્સમેનોએ સ્ફોટક શરૂઆત અપાવી
મેચમાં ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે 5 વિકેટ ગુમાવીને 196 રન બનાવ્યા હતા. તમામ બેટ્સમેનોએ મળીને ટીમ માટે બોલરોને ક્લાસ આપ્યો. વિરાટ કોહલીએ 28 બોલમાં 37 રન, રિષભ પંતે 24 બોલમાં 36 રન અને શિવમ દુબેએ 24 બોલમાં 34 રન બનાવ્યા હતા. જ્યારે ઓપનિંગમાં કેપ્ટન રોહિત શર્માએ 11 બોલમાં 23 રન બનાવ્યા હતા.
અંતમાં હાર્દિક પંડ્યાએ 27 બોલમાં અણનમ 50 રન બનાવ્યા અને પોતાની સ્ટાઈલમાં ફિફ્ટી પૂરી કરી. બીજી તરફ બાંગ્લાદેશ માટે ફાસ્ટ બોલર તન્ઝીમ હસન અને સ્પિનર રિશાદ હુસૈને 2-2 વિકેટ લીધી હતી. આ સિવાય શાકિબ અલ હસનને વધુ એક સફળતા મળી.
T20 ઈન્ટરનેશનલમાં બાંગ્લાદેશ સામે ભારતીય ટીમનો દબદબો રહ્યો છે. પરંતુ બાંગ્લાદેશ ઉથલપાથલ કરવામાં માહેર છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે અત્યાર સુધીમાં 14 T20 મેચ રમાઈ છે, જેમાં ભારતીય ટીમે 13 મેચ જીતી છે. જ્યારે બાંગ્લાદેશ એક મેચ જીત્યું હતું. ભારત સામે બાંગ્લાદેશની એકમાત્ર જીત નવેમ્બર 2019માં હતી.