આજે સમગ્ર દેશમાં રામ નવમીનું પર્વ ઉજવાઈ રહ્યું છે ત્યારે અયોધ્યામાં આજે બપોરે 12 વાગ્યાના સમયે ભગવાન શ્રી રામલલ્લાના લલાટે ‘સૂર્ય તિલક’ કરાયું હતું જેના સેંકડો ભાવિકોએ દર્શનનો લાભ લીધો હતો.

અયોધ્યામાં રામનવમી પર શ્રી રામલલ્લાને સૂર્ય તિલક કરવામાં આવ્યું હતું. પ્રાણ પ્રતિષ્ઠા બાદ રામલલ્લાનું આ પ્રથમ સૂર્ય તિલક છે. આજે બપોરે 12 વાગ્યે અભિજીત મુહૂર્તમાં રામલલાને 3 મિનિટ માટે સૂર્ય તિલક કરવામાં આવ્યું હતું.

આ સૂર્ય તિલક માટે ખાસ વૈજ્ઞાનિક પદ્ધતિથી અષ્ટધાતુની 20 પાઇપમાંથી 65 ફૂટ લાંબી સિસ્ટમ બનાવવામાં આવી હતી અને ગર્ભગૃહમાંથી
રામલલ્લાના લલાટ સુધી 4 લેન્સ અને 4 અરીસા દ્વારા સૂર્યના કિરણો પહોંચ્યા હતા.

આજે રામ નવમી પર્વ ઉપર સવારે કપાટ ખુલ્યા બાદ રામલલ્લાનો દૂધથી અભિષેક અને શૃંગાર કરવામાં આવ્યો હતો.
સવારે 5 વાગ્યે મંગળા આરતી થઈ હતી. 8 વાગ્યા સુધીમાં 6 લાખ શ્રદ્ધાળુઓ અયોધ્યા પહોંચ્યા હતા.
રામજન્મભૂમિ સંકુલમાં લાંબી લાઇનો જોવા મળી હતી.
રામ પથ, ભક્તિ પથ અને જન્મભૂમિ પથ પર ઘણી ભીડ જોવા મળી હતી.
શયન આરતી બાદ આજે રાત્રે 11.30 કલાકે કપાટ બંધ કરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે અયોધ્યામાં ગત.તા.22 જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પ્રાણ-પ્રતિષ્ઠા સમારોહમાં નવા મંદિરમાં ભગવાન રામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા બાદ આ પહેલી રામ નવમી છે.
આ પાવન દિવસે રામ લલ્લાના લલાટે સૂર્ય તિલક કરવા માટે વૈજ્ઞાનિકોએ ખાસ ટેકનોલોજીનો ઉપયોગ કર્યો હતો જેનો લાખ્ખો ભક્તોએ લાભ લીધો હતો.