આજે મંગળવારે પતંજલિની ભ્રામક જાહેરાત કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે બાબા રામ દેવને ફટકાર લગાવી છે.

આ દરમિયાન યોગ ગુરુ બાબા રામદેવ કોર્ટમાં હાજર રહ્યા હતા અને તેમણે બિનશરતી માફી માંગી હતી. સુનાવણી દરમિયાન કોર્ટે પતંજલિ દ્વારા દાખલ કરવામાં આવેલા સોગંદનામા પર અસંતોષ વ્યક્ત કર્યો હતો.

બાબા રામદેવ અને પતંજલિ આયુર્વેદના મેનેજિંગ ડાયરેક્ટર આચાર્ય બાલકૃષ્ણને ભ્રામક જાહેરાત કેસ સંબંધિત તિરસ્કારની કાર્યવાહીમાં સુપ્રીમ કોર્ટમાં વ્યક્તિગત રીતે હાજર થવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. આ મામલે માત્ર પતંજલિએ જ એફિડેવિટ દાખલ કરી છે, જેના એમડી બાલકૃષ્ણ છે. બાબા રામદેવે પણ અંગત રીતે સોગંદનામું આપવું પડ્યું હતું.

બાબા રામદેવના વકીલે કહ્યું કે રામદેવ અંગત રીતે હાજર થઈને માફી માંગવા ઈચ્છે છે. તેના પર કોર્ટે કહ્યું કે એફિડેવિટ પહેલા આવવું જોઈતું હતું. શું તમે કોર્ટને પૂછીને એફિડેવિટ લખશો? કોર્ટે આ વલણને અસ્વીકાર્ય ગણાવ્યું હતું. કોર્ટે એ વાત પર સવાલ ઉઠાવ્યા કે 21 નવેમ્બરે કોર્ટમાં એફિડેવિટ આપ્યા બાદ પણ પતંજલિએ ભ્રામક જાહેરાત આપી હતી. રામદેવે બીજા દિવસે પ્રેસ કોન્ફરન્સ પણ કરી હતી.

રામદેવ બાબાના વકીલે કહ્યું કે તેમણે તેમનો પાઠ શીખી લીધો છે.
તે જ સમયે, સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કેન્દ્ર સરકાર વતી દરમિયાનગીરી કરી અને કહ્યું કે તેઓ વકીલો સાથે વાત કરશે અને યોગ્ય એફિડેવિટ દાખલ કરાવશે.
મહેતાએ એમ પણ કહ્યું હતું કે એલોપેથીની ટીકા કરી શકાતી નથી તે કહેવું ખોટું છે.
અરજદાર IMAએ આવો દાવો ન કરવો જોઈએ.

કોર્ટે કહ્યું કે દરેક દવા પ્રણાલીની ટીકા થઈ શકે છે. બાબા રામદેવે યોગ માટે સારું કામ કર્યું છે પરંતુ કાયદા વિરુદ્ધ આવી જાહેરાતો આપી શકાય નહીં. કોર્ટે એમ પણ કહ્યું હતું કે 30 નવેમ્બરના રોજ દાખલ કરવામાં આવેલી એફિડેવિટમાં પતંજલિએ કોર્ટમાં ખોટો દાવો કર્યો હતો કે તે અગાઉના એફિડેવિટનું પાલન કરી રહી છે (ભ્રામક જાહેરાતો નથી આપતી). કોર્ટે રામદેવ અને બાલકૃષ્ણને વધુ સારી એફિડેવિટ દાખલ કરવા માટે સમય આપ્યો હતો. આગામી સપ્તાહે ફરી સુનાવણી હાથ ધરાશે.

કોર્ટે ઉત્તરાખંડ સરકારને પણ પૂછ્યું કે કેન્દ્રની સલાહ બાદ તેણે શું પગલાં લીધાં. કેન્દ્રને એફિડેવિટ દાખલ કરવા પણ કહેવામાં આવ્યું હતું કે તેણે દવાઓની ભ્રામક જાહેરાતોને રોકવા માટે શું પગલાં લીધાં છે.