સુપ્રીમ કોર્ટે આજે સોમવારે બીલ્કીસ બાનો ગેંગરેપ કેસના 11 આરોપીઓને સમય પહેલા મુક્ત કરવાના ગુજરાત સરકારના નિર્ણયને રદ કરતો હુકમ કર્યો છે.
બિલકિસ બાનો કેસમાં દોષિતોને મુક્ત કરવાના નિર્ણયને સુપ્રીમ કોર્ટે રદ કરી કોર્ટે અરજીને સુનાવણી લાયક ગણી કહ્યું, મહિલા સન્માનની હકદાર છે.
આ કેસમાં ટિપ્પણી કરતા જસ્ટિસ નાગરથનાએ કહ્યું કે સજા એટલા માટે આપવામાં આવે છે જેથી ભવિષ્યમાં ગુનાઓ અટકાવી શકાય,ગુનેગારને સુધરવાની તક આપવામાં આવે છે પરંતુ પીડિતાની વેદનાને પણ સમજવી જોઈએ.
બિલકિસ બાનો ગેંગરેપ કેસમાં 11 દોષિતોની સમય પહેલા મુક્ત કરવા મામલે સુપ્રીમ કોર્ટ દ્વારા આજે તા.8 જાન્યુઆરીએ પોતાનો ચુકાદો આપ્યો છે.
જસ્ટિસ બીવી નાગરથનાઅને જસ્ટિસ ઉજ્જવલ ભુઈયાની બેંચે આ કેસની સુનાવણી કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે બિલકિસ બાનોએ 30 નવેમ્બર 2022ના રોજ 11 ગેંગરેપ દોષિતોની મુક્તિ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં બે અરજી કરી હતી જેમાં 11 દોષિતોની મુક્તિને પડકારતી પ્રથમ અરજીમાં તેમને તાત્કાલિક જેલમાં ધકેલવાની માંગ કરવામાં આવી હતી.
આ સાથે જ બીજી અરજીમાં સુપ્રીમ કોર્ટ દ્વારા મે મહિનામાં આપેલા આદેશ પર પુનર્વિચાર કરવાની માંગ કરવામાં આવી છે, જેમાં કોર્ટે કહ્યું હતું કે ગુનેગારોને મુક્ત કરવાનો નિર્ણય ગુજરાત સરકાર લેશે.
બિલકીસે બાનોએ કહ્યું કે જ્યારે મહારાષ્ટ્રમાં કેસની સુનાવણી ચાલી રહી છે ત્યારે ગુજરાત સરકાર કેવી રીતે નિર્ણય લઈ શકે ? આ અંગે બિલકિસે સુપ્રીમ કોર્ટમાં બંને અરજીઓ પર વહેલી સુનાવણીની માંગ કરી હતી.
મહત્વનું છે કે આ કેસના તમામ 11 દોષિતોને 15 ઓગસ્ટ 2022ના રોજ આઝાદીના અમૃત મહોત્સવના ભાગરૂપે મુક્ત કરવામાં આવ્યા હતા.
બિલકિસ બાનો દ્વારા અરજી દાખલ કરવામાં આવે તે પહેલા એક સામાજિક કાર્યકર્તાએ આ કેસમાં અરજી દાખલ કરી હતી જેની સુનાવણીમાં બિલકિસ બાનો કેસમાં દોષિતોને મુક્ત કરવા અંગે સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો સંભળાવ્યો છે અને સુપ્રીમ કોર્ટે દોષિતોને મુક્ત કરવાના ગુજરાત સરકારના નિર્ણયને રદ કર્યો છે.
જસ્ટિસ નાગરથનાએ કહ્યું, ગુજરાત સરકારે તેમની મુક્તિ અંગે નિર્ણય લેતા પહેલા જે કોર્ટમાં કેસની સુનાવણી કરવામાં આવી હતી તેનો અભિપ્રાય લેવો જોઈતો હતો. જે રાજ્યમાં આરોપીઓને સજા કરવામાં આવી હતી તે રાજ્યએ તેમની મુક્તિનો નિર્ણય લેવો જોઈએ. મહારાષ્ટ્રમાં સજા આપવામાં આવી હતી. આ આધારે, રિલીઝ ઓર્ડર રદ કરવામાં આવે છે.
બિલકિસની અરજી બાદ ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે કહ્યું હતું આ મામલામાં દાખલ તમામ પિટીશન પર વહેલીતકે સુનાવણી થશે.