આજકાલ ખાનગી હોસ્પિટલમાં દર્દીઓ પાસેથી આડેધડ ઊંચી રકમની વસુલાત કરવામાં આવતી હોય લોકો આર્થિક રીતે પાયમાલ થઈ જતા હોય છે ત્યારે આ મુદ્દે સુપ્રીમ કોર્ટે લાલ આંખ કરી છે અને સરકારને આ બાબતે તાત્કાલિક પગલાં ભરવા જણાવ્યું છે.

સુપ્રીમ કોર્ટ મંગળવારે (27 ફેબ્રુઆરીના રોજ) ખાનગી હોસ્પિટલો દ્વારા આડેધડ વસૂલવામાં આવતી મનફાવે તેવી મોટી રકમ પર નારાજગી વ્યક્ત કરી કોર્ટે 14 વર્ષ જૂના ‘ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ (કેન્દ્ર સરકાર) નિયમોને લાગુ કરવામાં કેન્દ્રની અસમર્થતાની સખત ઝાટકણી કાઢી હતી.

નિયમો હેઠળ, રાજ્યો સાથે પરામર્શ કર્યા પછી મેટ્રોપોલિટન શહેરો, શહેરો અને નગરોમાં રોગોની સારવાર અને ઉપચાર માટે પ્રમાણભૂત દરની સૂચના જારી કરવી ફરજિયાત કરવા જણાવ્યું છે.
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના જણાવ્યા અનુસાર સુનાવણી દરમિયાન સરકારે કોર્ટને કહ્યું કે તેણે આ મુદ્દે રાજ્યોને વારંવાર પત્ર લખ્યો છે, પરંતુ તેમની તરફથી કોઈ જવાબ મળ્યો નથી. કોર્ટે કહ્યું કે નાગરિકોનો સ્વાસ્થ્ય સંભાળનો મૂળભૂત અધિકાર છે અને કેન્દ્ર તેની જવાબદારીમાંથી છટકી શકે નહીં. કોર્ટે કેન્દ્રીય આરોગ્ય સચિવને એક મહિનાની અંદર પ્રમાણભૂત દરોની સૂચના જારી કરવા માટે રાજ્યોના આરોગ્ય સચિવો સાથે બેઠક યોજવા જણાવ્યું હતું.

સુપ્રીમ કોર્ટે ચેતવણી આપી હતી કે, ‘જો કેન્દ્ર સરકાર આ સમસ્યાનો ઉકેલ શોધવામાં નિષ્ફળ જશે તો અમે સમગ્ર દેશમાં દર્દીઓની સારવાર માટે CGSH-નિર્ધારિત સરકારી દર લાગુ કરવા માટે અરજદારની અરજી પર વિચાર કરીશું.’
વાસ્તવમાં, દરેક નાગરિક માટે આરોગ્યસંભાળ એ સૌથી મહત્વપૂર્ણ પાસાઓ પૈકીનું એક છે પરંતુ ખાનગી હોસ્પિટલોમાં મનસ્વી ફી વસૂલવામાં આવી રહી છે, જેના કારણે દર્દીઓને આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
વાસ્તવમાં એનજીઓ ‘વેટરન્સ ફોરમ ફોર ટ્રાન્સપરન્સી ઇન પબ્લિક લાઈફ’એ વકીલ દાનિશ ઝુબેર ખાન દ્વારા પીઆઈએલ દાખલ કરી હતી. જેમાં ‘ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ (કેન્દ્ર સરકાર) નિયમો, 2012’ના નિયમ 9 મુજબ દર્દીઓ પાસેથી વસૂલવામાં આવતી ફીનો દર નક્કી કરવા કેન્દ્રને નિર્દેશ આપવાની માંગ કરવામાં આવી હતી. આ નિયમ હેઠળ, તમામ હોસ્પિટલોએ તેમના સેવા ચાર્જ વિશે સ્થાનિક ભાષા તેમજ અંગ્રેજીમાં માહિતી આપવાની રહેશે.