યુવા ભારતીય વિદ્યાર્થીના પગાર રેકોર્ડમાં ગોલમાલ કરીને યુનાઇટેડ પેટ્રોલિયમના સર્વિસ સ્ટેશનના ભૂતપૂર્વ ઓપરેટર નવનીત ગોગીકરે શોષણ કર્યું, 14 નવેમ્બર સુધીમાં દંડ ભરવા આદેશ

બ્રિસ્બેનમાં યુનાઇટેડ પેટ્રોલિયમના સર્વિસ સ્ટેશનના ભૂતપૂર્વ ઓપરેટર નવનીત ગોગીકર ને એક યુવા ભારતીય વિદ્યાર્થીના પગાર રેકોર્ડમાં ગોલમાલ કરવા બદલ $15984 નો દંડ ફટકારવામાં આવ્યો છે. ફેડરલ સર્કિટ કોર્ટના ન્યાયાધીશ ગ્રેગરી ઈગને ગોગીકરને આ રકમ 14 નવેમ્બર, 2025 સુધીમાં કોમનવેલ્થને ચૂકવવાનો આદેશ આપ્યો છે.

પગાર અને રેકોર્ડ્સમાં છેતરપિંડી
તપાસમાં બહાર આવ્યું છે કે ગોગીકરે 2019 થી 2021 દરમિયાન ત્રણ યુવા વિઝાધારક કર્મચારીઓ (જેઓ 23 થી 24 વર્ષની વયના હતા) ને ઓછો પગાર ચૂકવ્યો હતો. તેણે ફેર વર્ક ઓમ્બુડ્સમેન (FWO) ને ખોટી અને બદલાયેલી પગાર સ્લિપ પૂરી પાડી હતી. આ બનાવટી દસ્તાવેજોમાં તેણે એક કર્મચારીને પ્રતિ કલાક $21.54 ચૂકવતો હોવાનો ખોટો દાવો કર્યો હતો, જ્યારે વાસ્તવમાં તેમને ઘણો ઓછો પગાર મળતો હતો. અન્ય બે કર્મચારીઓ માટે તો તેણે કોઈ રેકોર્ડ જાળવ્યા ન હતા કે પગાર સ્લિપ પણ આપી ન હતી.

ન્યાયાધીશનો ચુકાદો અને ગોગીકરનો દંભ
ન્યાયાધીશ ગ્રેગરી ઈગને કહ્યું કે ગોગીકરનું આ કૃત્ય જાણીજોઈને કરવામાં આવેલું છે, જેમાં તેણે યુવા વિઝાધારકોના શોષણનો પ્રયાસ કર્યો. કોર્ટમાં હાજર હોવા છતાં, ગોગીકરે કોઈ પસ્તાવો વ્યક્ત કર્યો ન હતો. તેણે આર્થિક મુશ્કેલીઓનો દાવો કર્યો, જેમાં તેની પત્નીની ઓછી આવક અને રાઈડશેરિંગ (Uber અને DiDi) માંથી થતી કમાણીનો સમાવેશ થાય છે. જોકે, ફેર વર્ક ઓમ્બુડ્સમેને ખુલાસો કર્યો કે તેણે આ સેવાઓમાંથી આશરે $25000ની કમાણી કરી હતી.

FWO એ શરૂઆતમાં $26000નો દંડ સૂચવ્યો હતો, પરંતુ કોર્ટે ગોગીકરની નાણાકીય સ્થિતિને ધ્યાનમાં રાખીને ઓછી રકમનો દંડ ફટકાર્યો છે. આ ચુકાદો ઓસ્ટ્રેલિયામાં વિદેશી કામદારોના અધિકારોના રક્ષણ માટે કાયદાકીય તંત્રની કડકતા દર્શાવે છે.