વિરાટ કોહલી દક્ષિણ આફ્રિકાથી અચાનક મુંબઈ પરત ફર્યો છે. તે હાલમાં પ્રિટોરિયામાં રમાઈ રહેલી ત્રણ દિવસીય ઈન્ટ્રા-સ્કવોડ પ્રેક્ટિસ મેચમાં ભાગ લઈ રહ્યો નથી. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 26 ડિસેમ્બરથી સેન્ચુરિયનમાં પ્રથમ ટેસ્ટ રમાશે.

ભારતીય ટીમ હાલ દક્ષિણ આફ્રિકાના પ્રવાસે છે. T20 સીરીઝ અને ODI સીરીઝ બાદ હવે બંને ટીમો વચ્ચે બે ટેસ્ટ મેચની સીરીઝ રમાશે. જો કે આ પહેલા ભારત માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ઓપનર રુતુરાજ ગાયકવાડ બંને ટેસ્ટ મેચમાંથી બહાર થઈ ગયો છે. તે જ સમયે, વિરાટ કોહલી દક્ષિણ આફ્રિકાથી અચાનક મુંબઈ પરત ફર્યો છે.

વિરાટ હાલમાં પ્રિટોરિયામાં રમાઈ રહેલી ત્રણ દિવસીય ઈન્ટ્રા સ્ક્વોડ મેચમાં ભાગ લઈ રહ્યો નથી. જો તે સીરિઝ માટે પરત નહીં ફરે તો ટીમ ઈન્ડિયા માટે તે મોટો ફટકો હશે. જોકે, બીસીસીઆઈએ આ અંગે કોઈ સત્તાવાર સમર્થન આપ્યું નથી. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 26 ડિસેમ્બરથી સેન્ચુરિયનમાં પ્રથમ ટેસ્ટ રમાશે.

કોહલી ત્રણ દિવસ પહેલા ટીમ મેનેજમેન્ટ અને બીસીસીઆઈની પરવાનગી લીધા બાદ મુંબઈ જવા રવાના થયો હતો અને પ્રિટોરિયામાં ત્રણ દિવસીય પ્રેક્ટિસ મેચમાં ભાગ લીધો ન હતો. તેની પાછળનું કારણ કૌટુંબિક ઈમરજન્સી હોવાનું કહેવાય છે. BCCIના સૂત્રોનું કહેવું છે કે તે સેન્ચુરિયનમાં 26 ડિસેમ્બરથી શરૂ થનારી પ્રથમ ટેસ્ટ માટે સમયસર જોહાનિસબર્ગ પરત ફરશે. કોહલી શુક્રવારે (22 ડિસેમ્બર) પરત ફરે તેવી શક્યતા છે.

ઋતુરાજની આંગળીમાં ઈજા થઈ

બીસીસીઆઈના સૂત્રોના જણાવ્યા અનુસાર યુવા ઓપનર રુતુરાજ આંગળીની ઈજામાંથી બહાર આવી શક્યો નથી. સાઉથ આફ્રિકામાં ભારતીય ટીમ મેનેજમેન્ટ દ્વારા તેને રિલીઝ કરવામાં આવ્યો છે. 19 ડિસેમ્બરે પોર્ટ એલિઝાબેથમાં દક્ષિણ આફ્રિકા સામેની બીજી વનડે દરમિયાન ગાયકવાડને આંગળીમાં ઈજા થઈ હતી.

તેણે કહ્યું, ‘બીજી વનડેમાં ફિલ્ડિંગ કરતી વખતે તે ઈજાગ્રસ્ત થયો હતો અને તેમાંથી તે સંપૂર્ણ રીતે સાજો થઈ શક્યો નથી. રુતુરાજ ત્રીજી વનડેમાં પણ રમ્યો નહોતો અને બીસીસીઆઈએ કહ્યું હતું કે તે મેડિકલ ટીમની દેખરેખમાં છે. હવે એ વાત સામે આવી છે કે બેમાંથી એક પણ ટેસ્ટ મેચ પહેલા તેના સ્વસ્થ થવાની કોઈ શક્યતા નથી. ટીમ મેનેજમેન્ટે બીસીસીઆઈ સાથે વાત કર્યા બાદ તરત જ તેને મુક્ત કરવાનો નિર્ણય લીધો છે. તે શનિવાર સુધીમાં ભારત પહોંચે તેવી શક્યતા છે.