અમેરિકાના ગુજરાતી ગ્રૂપ અને ફેસબુક પર વીડિયો વાઇરલ, સ્ટોરના સીસીટીવી ફૂટેજ બહાર આવ્યા, ઘરે પણ શારીરિક ત્રાસ અસહ્ય હોવાનું બહાર આવ્યું, પોતાનો સ્વજન હોવા છતાં પણ સ્ટોરમાં અને ઘરે તેને શારીરિક માનસિક ત્રાસ અપાયો

  • ન્યૂયોર્કનો પોર્ટ ચેસ્ટર સિટીની ઘટના
  • સ્ટોર ઓનર અને તેની પત્ની આપતા હતા ત્રાસ
  • ગેરકાયદે હોવાના કારણે પીડિતે ત્રાસ સહન કર્યો
  • પીડિતનો અડધો પગાર પણ કાપી લઇ સ્ટોર ઓનર ભાગીદારને પણ છેતરતા
  • સમગ્ર ઘટના બહાર આવ્યા બાદ પણ હજુ પોલીસ ફરિયાદ નહીં

નમસ્કાર ગુજરાત ન્યૂઝ.
અમેરિકા જવાની ઘેલછા ઉત્તર ગુજરાત સહિત ગુજરાતના ઘણાં ભાગોમાં રહેલી છે. જોકે ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ લોકો ગેરકાયદે બે નંબરી બનીને અમેરિકા જતાં હોય છે. જ્યાં તમે ગેરકાયદે હોવાને કારણે ઘણીવાર અનેક યાતનાઓનો પણ સામનો કરવો પડતો હોય છે. આવી જ એક ઘટના અમેરિકાના ન્યૂયોર્કમાં સામે આવી છે. જ્યાં એક ગુજરાતી દ્વારા જ ગેરકાયદે આવેલા ગુજરાતી અને પોતાના સ્વજનને જ શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવી રહ્યો છે. આ સમગ્ર ઘટના ન્યૂયોર્કના પોર્ટ ચેસ્ટર સિટીમાં બની છે. હાલ ભલે સ્ટોરના જ સીસીટીવી ફૂટેજ વાઇરલ થયા હોય પરંતુ સ્ટોરનો માલિક અને તેની પત્ની પોતાના આ સ્વજનને ઘરે સૌથી વધારે અમાનવીય ત્રાસ આપતા હતા.

સ્ટોર ઓનર કલોલના ભાવપુરા ગામનો તો પીડિત મહેસાણાના જેતલપુરનો વતની
હાલ અમેરિકાના ગુજરાતી ગ્રૂપમાં આ વીડિયોને લઇ ખાસી ચર્ચા જોવા મળી રહી છે. જ્યાં સ્ટોર ઓનર ગુજરાતી પર ચોમેરથી ફિટકાર લોકો વરસાવી રહ્યા છે. પોર્ટ ચેસ્ટર સિટીમાં કન્વીનિયન્ટ સ્ટોર ભાગીદારીમાં ચલાવતા ગુજરાતી માલિકે પીડિતને છેલ્લા ચાર વર્ષથી શારીરિક માનસિક ત્રાસ આપતો હતો. પીડિત વર્ષ 2020માં ગેરકાયદે અમેરિકા પહોંચ્યા હતા. નમસ્કાર ગુજરાત ઓસ્ટ્રેલિયા ન્યૂઝને જે વીડિયો હાથ લાગ્યા છે. અમે આપને બતાવી રહ્યા છીએ. જેમાં સ્પષ્ટ થાય છે કે સ્ટોર પર જો આટલો અત્યાચાર થતો હોય તો ઘરે આ પીડિત સાથે કેવો વ્યવહાર થતો હશે. વીડિયો વાઇરલ થયા બાદ સ્ટોર માલિકને જાણતા લોકોએ હવે પોતાનું મોં ખોલ્યું છે અને ચોંકવનારા ખુલાસા બહાર આવી રહ્યા છે. માલિક કલોલ તાલુકાના ભાઉપુરા ગામના લિંચિયા વાસનો હોવાનું બહાર આવ્યું છે. જ્યારે પીડિત મહેસાણા જિલ્લાના જેતલપુરનો વતની છે.

સ્ટોર માલિક અને પીડિત એક જ સમાજના
સૂત્રોનું જો માનીએ તો સ્ટોર માલિક અને પીડિત એક જ સમાજના છે અને એકબીજાના સંબંધી પણ થાય છે. છતાં પોતાના સંબંધીને જ ઢોરની જેમ રાખતા હતા અને સ્ટોર તથા ઘરે તેની પાસે 16થી 18 કલાક સુધી કામ કરાવતા હતા. જોકે પોતે ગેરકાયદે ગયા હોવાને કારણે પીડિત ક્યારેય પોતાના ગુજરાત કે અમેરિકા ખાતેના સંબંધીઓને જાણ કરી નહતી. જોકે હવે સમગ્ર સીસીટીવી જ્યારે બહાર આવ્યા છે ત્યારે અમેરિકા-કેનેડામાં વસતા ગુજરાતીઓ તેમના પર ફિટકાર વરસાવી રહ્યા છે.

સીસીટીવી આખરે કેવી રીતે બહાર આવ્યા ?
આમ તો આ પીડિત જિંદગીભર કદાચ આમ જ શારીરિક અને માનસિક ત્રાસ સહન કરતા હોત પરંતુ ભલુ થજો ભગવાનનું કે સ્ટોરનો અન્ય માલિક સજ્જન નીકળ્યો. કારણ કે જે સ્ટોર ત્રાસ આપતા હતા તેઓ વર્કિંગ પાર્ટનર હતા અને અન્ય માલિક ક્યારેક ક્યારેક જ સ્ટોર પર આવતા હતા. પરંતુ છેલ્લા કેટલાક સમયથી હિસાબ અને માલ સામાનમાં ગડબડી વધી જતા અન્ય સ્ટોર માલિકે સીસીટીવી ચેક કર્યા હતા. અને આ સીસીટીવી ફૂટેજ તેમના દ્વારા જ બહાર આવ્યા હોવાનું સામે આવી રહ્યું છે. વાઇરલ થયેલા સીસીટીવી 15 માર્ચથી લઇને 24 માર્ચ સુધીના છે. જોકે અન્ય કેટલાક વીડિયો વિચલીત કરનારા હોવાથી અમે આપને બતાવી રહ્યા નથી.

પીડિતની સેલરીમાં પણ કટકી કરતો હતો સ્ટોર માલિક
કેટલાક સૂત્રોએ જણાવ્યું છે કે સ્ટોર માલિકના આ કાંડ બહાર આવ્યા બાદ અન્ય સ્ટોર માલિકે તપાસ કરતાં એવું જાણવા મળ્યું છે કે પીડિતના પગારમાં પણ ગોલમાલ કરતો હતો. કારણ કે સ્ટોરના ચોપડે સ્ટોર માલિક પીડિતનો પગાર 5000 ડોલરથી વઘુ બતાવતો હતો અને તેને માત્ર અડધા જ ડોલર ચૂકવતો હતો.

એકવાર આંખની સર્જરી કરવી પડે તેટલો માર મરાયો
આમ તો પીડિત ચૂપચાપ ઢોર માર સહન છેલ્લા ચાર વર્ષથી કરતા હતા. પરંતુ ક્યારેય તેઓ કંઇ બોલ્યા નહતા. જોકે એક ચોંકાવનારી હકીકત એ બહાર આવી છે કે સ્ટોરમાં જેટલો ઢોર મારનો સામનો કર્યો તેતો માત્ર ટ્રેલર સમાન હતું. કારણ કે અસલી અને નર્કાગાર સમાન પરિસ્થિતિ તો ઘરે જોવા મળતી હતી. સૂત્રોએ દાવો કર્યો છે કે આ પીડિતને એકવાર એટલો માર મારવામાં આવ્યો કે તેઓને હોસ્પિટલમાં પણ લઇ જવાની ફરજ પડી હતી. જ્યાં તેમની આંખની સર્જરી કરવામાં આવી હતી.

આ ઘટના અંગે જો કોઇ વધુ માહિતી હોય તો આપ અમને +9183204 41113 પર વોટ્સ અપ કરી શકો છો.