પેટ કમિન્સ ભારત પરત નહીં ફરે. ભારત-ઓસ્ટ્રેલિયા વનડે સીરીઝ 17 માર્ચથી પ્રારંભ
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ સિરીઝ પૂરી થઈ ગઈ છે અને હવે વનડે સિરીઝ રમાવાની છે. સ્ટીવ સ્મિથ આ સપ્તાહના અંતમાં શરૂ થનારી ત્રણ મેચની વનડે શ્રેણી માટે સુકાનીપદની લગામ જાળવી રાખશે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ પુષ્ટિ કરી છે કે પેટ કમિન્સ ભારત પરત નહીં ફરે. ભારત-ઓસ્ટ્રેલિયા વનડે સીરીઝ 17 માર્ચથી શરૂ થઈ રહી છે.
કાંગારૂ ટીમના કેપ્ટન પેટ કમિન્સે તેની માતા મારિયાની સંભાળ લેવા માટે દિલ્હીમાં બીજી ટેસ્ટ બાદ પ્રવાસ છોડી દીધો હતો. ગયા અઠવાડિયે જ્યારે અમદાવાદમાં ફાઈનલ મેચ રમાઈ રહી હતી ત્યારે તેની માતાનું સ્તન કેન્સરથી અવસાન થયું હતું. કોચ એન્ડ્રુ મેકડોનાલ્ડે કહ્યું, ‘પેટ પરત નહીં આવે, અમારા વિચારો પેટ અને તેના પરિવાર સાથે છે. તે મુશ્કેલ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે.
આનો અર્થ એ થયો કે શ્રેણીની છેલ્લી બે મેચોમાં ટેસ્ટ ટીમની આગેવાની કર્યા બાદ સ્ટીવ સ્મિથ ODI શ્રેણીમાં કેપ્ટન તરીકે ચાલુ રહેશે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી ટેસ્ટ શ્રેણીની ચોથી મેચ ડ્રો રહી હતી, જેના કારણે ટીમ ઈન્ડિયાએ શ્રેણી 2-1થી જીતી લીધી હતી. તમને જણાવી દઈએ કે ઓસ્ટ્રેલિયાએ ઈન્દોરમાં ટેસ્ટ શ્રેણીમાં જે એક મેચ જીતી હતી તે સ્ટીવ સ્મિથની કેપ્ટન્સીમાં જીતી હતી.
પેટ કમિન્સે ગયા વર્ષે એરોન ફિન્ચની નિવૃત્તિ બાદ ODIની કમાન સંભાળી હતી, પરંતુ તેણે અત્યાર સુધી માત્ર બે મેચમાં જ ટીમનું નેતૃત્વ કર્યું છે. શુક્રવારથી મુંબઈમાં શરૂ થઈ રહેલી ODI શ્રેણીનું મહત્વ વધી ગયું છે કારણ કે તે તે જ દેશમાં રમાશે જ્યાં આ વર્ષના અંતમાં ODI વર્લ્ડ કપ રમાશે.
ભારત vs ઓસ્ટ્રેલિયા વન-ડે શ્રેણી
પ્રથમ મેચ – 17 માર્ચ, શુક્રવાર, મુંબઈ
બીજી મેચ – 19 માર્ચ, રવિવાર, વિશાખાપટ્ટનમ
ત્રીજી મેચ – 22 માર્ચ, બુધવાર, ચેન્નાઈ
ઓસ્ટ્રેલિયાની ટીમઃ સ્ટીવ સ્મિથ (સી), સીન એબોટ, એશ્ટન અગર, એલેક્સ કેરી, નાથન એલિસ, કેમેરોન ગ્રીન, ટ્રેવિસ હેડ, જોશ ઈંગ્લિસ, માર્નસ લાબુશેન, મિશેલ માર્શ, ગ્લેન મેક્સવેલ, મિશેલ સ્ટાર્ક, માર્કસ સ્ટોઈનિસ, ડેવિડ વોર્નર, એડમ ઝમ્પા
ભારતીય ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, સૂર્યકુમાર યાદવ, લોકેશ રાહુલ, ઈશાન કિશન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા (વાઈસ-કેપ્ટન), રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, વોશિંગ્ટન સુંદર, યુઝવેન્દ્ર ચહલ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, ઉમરાન મલિક, શાર્દુલ ઠાકુર, અક્ષર પટેલ, જયદેવ ઉનડકટ
જણાવી દઈએ કે રોહિત શર્મા પ્રથમ વનડેમાં ઉપલબ્ધ નહીં હોય, હાર્દિક પંડ્યા ટીમનું સુકાન સંભાળશે. બીજી તરફ શ્રેયસ અય્યર પણ અમદાવાદ ટેસ્ટમાં ઈજાગ્રસ્ત થયો છે. આવી સ્થિતિમાં તે વનડે શ્રેણીમાં ઉપલબ્ધ રહેશે કે નહીં, તે હજુ સ્પષ્ટ નથી. જો તે આઉટ થઈ જાય છે તો ટીમ ઈન્ડિયાએ તેનો રિપ્લેસમેન્ટ શોધવો પડશે, આ સ્થિતિમાં સંજુ સેમસનને વનડે શ્રેણીમાં તક મળી શકે છે.
આંકડામાં ઓસ્ટ્રેલિયા આગળ
જો આપણે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ODI મેચોના રેકોર્ડ પર નજર કરીએ તો અત્યાર સુધી બંને ટીમો વચ્ચે કુલ 143 મેચ રમાઈ છે, જેમાંથી 80 ઓસ્ટ્રેલિયા અને 53 ભારતે જીતી છે. જો આપણે ભારતમાં યોજાયેલી ODI મેચો પર નજર કરીએ તો બંને ટીમો કુલ 64 વખત આમને-સામને આવી છે, અહીં ઓસ્ટ્રેલિયાએ 30 અને ભારતે 29 ODI જીતી છે. હવે ટીમ ઈન્ડિયાની નજર આ રેકોર્ડને સુધારવા પર રહેશે, સાથે જ આ સીરીઝ ODI વર્લ્ડ કપની પણ સારી તૈયારી હશે.