અયોધ્યામાં આગામી તા.22 જાન્યુઆરીએ યોજાનાર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને માત્ર ભારત દેશમાં જ નહીં પરંતુ વિશ્વભરમાં વસતા ભારતીયોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે અમેરિકામાં હિન્દુ સમુદાય દ્વારા ‘જય શ્રી રામ’ના નારા વચ્ચે મેરીલેન્ડમાં ટેસ્લા મ્યુઝિકલ લાઇટ શોનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.
યુએસ સ્થિત વિશ્વ હિન્દુ પરિષદ (VHP) દ્વારા આયોજિત લાઇટ શો દરમિયાન ભક્તોએ ભગવાન રામના ચિત્રો સાથેના ધ્વજ લહેરાવી ‘જય શ્રી રામ’, ‘રામ લક્ષ્મણ જાનકી’ અને ‘જય શ્રી હનુમાન કી’ ના નારા લગાવ્યા હતા.
લાઇટ શોમાં 150થી વધુ કાર સેવકોએ ભાગ લીધો હતો અહીં વોશિંગ્ટન, વર્જિનિયા અને મેરીલેન્ડમાં મૂળ ભારતીય અમેરિકનોએ એક સાથે કારની લાઇટ બંધ કરીને અને ચાલુ કરીને લાઇટનું અદભૂત પ્રદર્શન કર્યું હતું.
મેરીલેન્ડના અયોધ્યા વે’ નામના રોડ સ્થિત શ્રી ભક્ત અંજનેય મંદિર ખાતે કાર સાથે ભક્તો એકઠા થયા હતા, જ્યાં તમામ રંગોના ટેસ્લાએ તેમની હેડલાઇટ અને ટેલલાઇટ્સથી સ્થળને પ્રકાશિત કરી દીધું હતું અને પ્રભુ શ્રી રામના નારા લગાવી વાતાવરણ ભક્તિમય બનાવ્યું હતું.