હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસની સરકાર પાસે બહુમતી હોવા છતાં રાજ્યસભાની બેઠક ભાજપના ફાળે જતાં રાજકીય ગરમાવો સર્જાયો છે. કોંગ્રેસના બળવાખોર ધારાસભ્યો સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. તમામ છ બળવાખોર ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવામાં આવ્યા છે.
વિધાનસભાના અધ્યક્ષ કુલદીપ સિંહ પઠાણિયાએ કોંગ્રેસના છ બળવાખોર ધારાસભ્યોના ભાવિ અંગે ચુકાદો આપ્યો છે.
કોંગ્રેસના ધારાસભ્ય અને સંસદીય બાબતોના મંત્રી હર્ષવર્ધન ચૌહાણે પક્ષપલટા વિરોધી કાયદા હેઠળ છ ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાની અરજી કરી હતી.
ઉલ્લેખનીય છે કે સ્પીકરે ગઈકાલે બંને પક્ષોને સાંભળ્યા બાદ આજે ચુકાદો આપ્યો છે.
હિમાચલ પ્રદેશ વિધાનસભાના અધ્યક્ષ કુલદીપ સિંહ પઠાનિયાએ કહ્યું કે તેમને પક્ષપલટા વિરોધી કાયદા હેઠળ છ ધારાસભ્યો વિરુદ્ધ અરજી મળી હતી.
સ્પીકરે કહ્યું કે મેં મારા 30 પાનાના ચુકાદામાં આ માહિતી ખૂબ જ વિગતવાર આપી છે.
મેં તે છ ધારાસભ્યોને ગેરલાયક ઠેરવ્યા છે, તેઓ હવે હિમાચલ પ્રદેશ વિધાનસભાના સભ્ય રહયા નથી.