ગાંગુલીના ઘરે અમિત શાહે ભોજન લીધું, ભાજપના નેતાઓ પણ રહ્યા હાજર

નમસ્કાર ગુજરાત ન્યૂઝ
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે પશ્ચિમ બંગાળના તેમના બે દિવસીય પ્રવાસના છેલ્લા દિવસે શુક્રવારે BCCI પ્રમુખ સૌરવ ગાંગુલી સાથે મુલાકાત કરી હતી. આ બેઠક સૌરવ ગાંગુલીના ઘરે થઈ હતી. આ દરમિયાન શાહ અને ગાંગુલીએ સાથે ડિનર પણ કર્યું હતું. આ દરમિયાન પશ્ચિમ બંગાળ બીજેપી અધ્યક્ષ ડૉ. સુકાંત મજુમદાર, વિપક્ષના નેતા શુભેંદુ અધિકારી અને સ્વપન દાસ ગુપ્તા સહિત અન્ય નેતાઓ પણ હાજર હતા. આ દરમિયાન ગાંગુલી અને અમિત શાહ વાતચીત કરતા જોવા મળ્યા હતા.

ગૃહમંત્રી અમિત શાહ જ્યારે ગાંગુલીના ઘરે પહોંચ્યા ત્યારે રસ્તામાં લોકોની ભીડ જોવા મળી હતી. આ દરમિયાન અમિત શાહે લોકોનું હાથ જોડીને અભિવાદન કર્યું હતું. જ્યારે ગાંગુલીને અમિત શાહને મળવા અંગે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું કે ડિનરને લઈને રાજકીય અર્થ ન કાઢવો જોઈએ. તેમણે કહ્યું કે તેઓ અમિત શાહને એક દાયકાથી વધુ સમયથી ઓળખે છે અને ઘણી વખત તેમને મળ્યા છે.

ગાંગુલીએ શુક્રવારે કહ્યું, “…અમારી પાસે ઘણી બધી વાતો છે. હું તેમને 2008 થી ઓળખું છું. જ્યારે હું રમતો હતો ત્યારે અમે મળતા હતા.” હું તેમના પુત્ર જયની સાથે કામ કરું છુ અમારી વચ્ચે એક જૂનું જોડાણ છે.”તમને જણાવી દઈએ કે પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી પહેલા જ ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીના ભાજપમાં જોડાવાની અટકળો ચાલી રહી હતી. વિધાનસભા ચૂંટણીમાં ભાજપ ગાંગુલીને ચહેરો બનાવી શકે છે તેવી ચર્ચા હતી. જો કે ગાંગુલીએ તેનો ઇનકાર કરવાનું ચાલુ રાખ્યું હતું અને કોઈપણ પક્ષમાં જોડાયો નહોતો.