નવી કંપનીનું માર્કેટ કેપ 70,000 કરોડથી પણ વધારે હશે

મર્જર સાથે સંયુક્ત આવક 13,600 કરોડથી વધુ અને કર્મચારીઓની સંખ્યા 4,000થી પણ વધારે થઈ જશે
નમસ્કાર ગુજરાત ન્યૂઝ.
મનોરંજન ક્ષેત્રે અગ્રણી ઝી અને સોની ઇન્ડિયાનું મર્જર થવાના લીધે દેશનું સૌથી મોટું મનોરંજન નેટવર્ક અસ્તિત્વમાં આવ્યું છે. આ મર્જર પછી બનેલી નવી કંપનીમાં સોનીનો હિસ્સો ૫૨.૯૩ ટકા હશે અને ઝીનો હિસ્સો ૪૭.૦૭ ટકા હશે.
મર્જર થયેલા એકમના એમડી અને સીઇઓ તરીકે પુનિત ગોયેન્કા જારી રહેશે. મર્જર એકમમાં સોની ઇન્ડિયાના પ્રમોટરો પાસે બોર્ડના બહુમતી ડિરેક્ટરો નીમવાનો અધિકાર રહેશે. નવી કંપનીમાં મોટાભાગના ડિરેક્ટરોની નિમણૂક સોની દ્વારા કરવામાં આવશે. મર્જર સાથે નવા એકમની આવક ૧૩,૬૦૦ કરોડથી વધારે અને કર્મચારીઓની સંખ્યા ચાર હજારથી વધારે થશે.
બંને કંપનીઓ વચ્ચે થયેલા કરારના ભાગરુપે ઝીના પ્રમોટર કુટુંબને ઝીમાં તેનો હાલનો ૩.૯૯ ટકા હિસ્સો નવા એકમમાં વધારીને ૨૦ ટકા સુધી પણ લઈ જવા દેવાની છૂટ આપવામાં આવી છે. ઝી અને એસપીએનના ઇક્વિટી મૂલ્યના વર્તમાન અંદાજોના આધારે સાંકેતિક મર્જર રેશિયો ઝીની તરફેણમાં ૬૧.૨૫ ટકા જેટલો છે. નવી કંપનીનું માર્કેટકેપ ૭૦,૦૦૦ કરોડથી પણ વધારે હશે. ઝીનું માર્કેટકેપ બુધવારે ૩૨,૩૫૦ કરોડ હતું.
આ મર્જરના પગલે જાપાનીઝ બહુરાષ્ટ્રીય કંપની સોની કોર્પની પેટા કંપની સોની પિક્ચર્સ નેટવર્ક્સ ઇન્ડિયા (સોની) ઝીમાં બહુમતી શેરધારક બની ગઈ છે. આ મર્જરની ખાસિયત એ છે કે એસપીએનના શેરધારક મર્જરના ભાગરુપે વૃદ્ધિ માટે મૂડી ઠાલવશે. આ રકમ ૧.૫૭૫ અબજ ડોલર એટલે કે ૧૧,૬૧૫ કરોડ જેટલી હશે. નવી કંપની પાસે બંનેની થઈને કુલ ૭૫ ટીવી ચેનલો, બે વિડીયો સ્ટ્રીમિંગ સર્વિસિઝ (ઝી ફાઇવ અને સોની લિવ) તેમજ ડિજિટલ કન્ટેન્ટ સ્ટુડિયો (સ્ટુડિયો નેકસ્ટ) રહેશે. આ કંપની ભારતમાં સ્ટાર અને ડિઝની ઇન્ડિયા કરતાં પણ મોટી મનોરંજન કંપની બની જશે. આના લીધે ચંદ્રા કુટુંબને એસ્સેલ જૂથ પર ઋણબોજ હળવો કરવામાં મદદ મળશે.