વડોદરામાં પૂર્વ ક્રિકેટર તુષાર અરોઠેની 1.39 કરોડ રૂપિયા સાથે SOG પોલીસે અટકાયત કરી હોવાના અહેવાલ છે.
પોલીસે તુષાર આરોઠે સહિત ત્રણ આરોપીની અટકાયત કરી આટલી રકમ ક્યાંથી આવી તે દિશામાં તપાસ શરૂ કરી છે.

વડોદરાના પૂર્વ રણજી ક્રિકેટર અને ભારતીય મહિલા ક્રિકેટ ટીમના પૂર્વ કોચ તુષાર અરોઠેના ઘરમાંથી 1.39 કરોડ રૂપિયા ક્યાંથી આવ્યા તે મામલે SOG પોલીસ તપાસ કરી રહી છે. વડોદરા એસઓજીને મળેલી બાતમીના આધારે રેડ કરતા આ મામલો સામે આવ્યો છે.

ક્રિકેટ સટ્ટા કેસમા સંડોવાયેલા આરોપી રિષી આરોઠે ( રહે . મકાન નં -302 , જે -1 એપાર્ટમેન્ટ , રોઝરી સ્કૂલની સામે , પ્રતાપગંજ , વડોદરા ) ના ઘરે રૂપિયા હોવાની બાતમી મળતા એસઓજીની ટીમે તેના ઘરે રેડ પાડી હતી .
આ સમયે રિષી આરોઠેના પિતા તુષાર ભાલચંદ્ર આરોઠે ત્યાં હાજર હતા આ સમયે તુષાર આરોઠે પાસેથી એક થેલો મળી આવ્યો હતો જેમાંથી રૂ.1.01 કરોડ રૂપિયા મળી આવ્યા હતા જ્યારે અન્ય બે વ્યક્તિ વિક્રાંત રાયપતવાર અને અમિત જળીત પાસેથી 38 લાખ રૂપિયા મળી આવ્યા હતા,આમ કુલ 1.39 કરોડ રૂપિયા મળતા આ રકમ બાબતે તુષાર આરોઠેની પૂછપરછ કરતા આ રોકડ રકમ બાબતે તુષાર આરોઠે કોઇ સંતોષકારક જવાબ આપી નહિ શકતા એસઓજીની ટીમે સીઆરપીસીની કલમ 10 મુજબ 1.39 કરોડ રૂપિયા જપ્ત કર્યાં હતા અને આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે .
એસઓજી પોલીસે તુષાર આરોઠે ( રહે . મકાન નં -302 , જે -1 એપાર્ટમેન્ટ , રોઝરી સ્કૂલની સામે , પ્રતાપગંજ , વડોદરા ) , વિક્રાંત એકનાથ રાયપતવાર ( હાલ રહે . આંબેગાવ પઠાર , સનસ , પીજી ( હોસ્ટેલ ) , આંબેગાવ પઠાર પોલીસ સ્ટેશન પાસે , કાતરજ , પૂણે , મહારાષ્ટ્ર , મૂળ રહે . ND – 41 , B , -37 / 2 , શીડકો , નાંદેડ , મહારાષ્ટ્ર ) અને અમીત છગનરાવ જળીત ( હાલ રહે . આંબેગાવ પઠાર , સનસ , પીજી ( હોસ્ટેલ ) , આંબેગાવ પઠાર પોલીસ સ્ટેશન પાસે , કાતરજ , પૂણે , મહારાષ્ટ્ર , મૂળ રહે . કોઠા ગામ , તા . કળંમ્બ , જિ . યાવતમાળ , મહારાષ્ટ્ર ) ની અટકાયત કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે .

બેંગ્લોરથી આંગડિયા પેઠીમાં નાણાં મોકલાયા હોવાનું જાણવા મળ્યુ છે.
તુષાર આરોઠેનો પુત્ર રિષી આરોઠે બેંગ્લોરમાં રહે છે અને ઇવેન્ટ મેનેજમેન્ટનું કામ કરે છે તે અગાઉ ક્રિકેટ સટ્ટા કેસમાં સંડોવાયેલો હોય પોલીસે આ દિશામાં સઘન તપાસ શરૂ કરી છે .