સ્લોવાકિયાના વડાપ્રધાન રોબર્ટ ફિકો ઉપર ચાલુ સભામાં ફાયરિંગ થતાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા બાદ તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવતા તેઓ સદનસીબે બચી ગયા છે.
રાજધાનીથી લગભગ 150 કિલોમીટર દૂર આવેલા હેન્ડલોવા શહેરમાં વડાપ્રધાન રોબર્ટ ફીકો ભાષણ આપી રહ્યા હતા ત્યારે તેઓ ઉપર ફાયરિંગ થયું હતું

આ હુમલો દેશના જાણીતા લેખકે કર્યો હોવાનું સામે આવતા ભારે ચકચાર મચી ગઇ છે અને કલમ ચલાવનાર જૈફ લેખકે વડાપ્રધાનની હત્યા કરવાના ઇરાદે ગન કેમ ચલાવી તે અંગે અનેક ચર્ચાઓ વહેતી થઈ છે.
જાણીતા લેખકે આવું કેમ કર્યું તે કોઈ સમજી શકતા નથી, પોલીસે 71 વર્ષના લેખકની ધરપકડ કરી હતી.

હુમલાખોર લેખકે પાંચ ગોળી ચલાવી હતી જેમાંથી એક ગોળી પીએમના પેટમાં વાગી હતી, ગંભીર રીતે ઘાયલ થયેલા વડાપ્રધાનને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવાયા હતા જ્યાં લગભગ સાડા ત્રણ કલાકની સર્જરી બાદ તેમને બચાવી લેવાયા હતા હવે તેમની હાલત સ્થિર હોવાની જાણકારી મળી રહી છે.

વડાપ્રધાન ફિકો પર ગોળી ચલાવનાર 71 વર્ષના વ્યક્તિ દેશના પ્રખ્યાત લેખક છે અને સ્લોવાક લેખકોના સત્તાવાર સંઘના સભ્ય પણ છે.
તેમણે 3 કાવ્યસંગ્રહો લખ્યા છે અને તેઓ લુઈસ સિટીના રહેવાસી છે. ડેયરના ગૃહમંત્રી માતેયુઝ સુતાજ એસ્ટોકે બુધવારે મીડિયા સમક્ષ હુમલાખોરની ઓળખ જાહેર કરી હતી.
હુમલાખોર દુહા (રેઈન્બો) લિટરરી ક્લબના સ્થાપક છે. રાઈટર્સ એસોસિએશને ફેસબુક પર પુષ્ટિ કરી છે કે વડાપ્રધાન પર ગોળીબાર કરનાર વ્યક્તિ 2015 થી એસોસિએશનનો સભ્ય છે.
હુમલાખોરના પુત્રએ સ્લોવાક ન્યૂઝ સાઇટને જણાવ્યું કે તેને ખબર નથી કે તેના પિતાએ આવું કેમ કર્યું હશે?
હા,તેમની પાસે લાયસન્સવાળી રિવોલ્વર હતી, તેને આ અંગે જાણકારી હતી. 
આ ઘટનાને લઈ ભારે ચકચાર મચી ગઇ છે.