ભારતનું સ્વદેશી ફાઈટર એરક્રાફ્ટ તેજસ દુનિયાની નજરમાં ચઢ્યું છે. અમેરિકા સહિત વિશ્વના ઘણા દેશોએ આમાં રસ દાખવ્યો છે. મલેશિયાને 18 તેજસ વેચવા માટે વાતચીત ચાલી રહી છે. આ સાથે ભારત સ્ટેલ્થ ફાઈટર જેટના નિર્માણ પર પણ કામ કરી રહ્યું છે.
નમસ્કાર ગુજરાત ન્યૂઝ.
ભારતનું સ્વદેશી જેટ એરક્રાફ્ટ તેજસ સમગ્ર વિશ્વમાં ધૂમ મચાવી રહ્યું છે. વિશ્વના મોટા દેશોએ તેને ખરીદવામાં રસ દાખવ્યો છે.સંરક્ષણ સાધનોનો સૌથી મોટો નિકાસકાર અમેરિકા પણ ભારતમાં સંપૂર્ણ રીતે વિકસિત આ ફાઈટર એરક્રાફ્ટમાં રસ દાખવી રહ્યું છે. સરકારે શુક્રવારે કહ્યું કે અમેરિકા, ઓસ્ટ્રેલિયા, ઈન્ડોનેશિયા અને ફિલિપાઈન્સ સહિત છ દેશોએ ભારતના હળવા લડાયક વિમાન તેજસમાં રસ દાખવ્યો છે. તે જ સમયે, મલેશિયા આ વિમાન ખરીદવાની તૈયારી કરી રહ્યું છે. ભારતે મલેશિયાને 18 તેજસ વેચવાની ઓફર કરી છે. હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) દ્વારા ઉત્પાદિત તેજસ, સિંગલ-એન્જિન મલ્ટિ-રોલ ફાઇટર એરક્રાફ્ટ છે જે ઉચ્ચ જોખમવાળા વાતાવરણમાં સંચાલન કરવાની ક્ષમતા ધરાવે છે.
સંસદમાં સંરક્ષણ રાજ્ય મંત્રી અજય ભટ્ટનું નિવેદન
આ માહિતી સંરક્ષણ રાજ્ય મંત્રી અજય ભટ્ટે એક પ્રશ્નના લેખિત જવાબમાં આપી હતી. તેમના જવાબ મુજબ તેજસ વિમાનમાં રસ દાખવનારા અન્ય બે દેશો આર્જેન્ટિના અને ઈજીપ્ત છે. સંરક્ષણ મંત્રાલયે ગયા વર્ષે ફેબ્રુઆરીમાં ભારતીય વાયુસેના માટે 83 તેજસ લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ (LCA) ખરીદવા HAL સાથે 48,000 કરોડ રૂપિયાના કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. HAL 2023 થી આ વિમાનોની ડિલિવરી શરૂ કરશે. મલેશિયા તેના જૂના રશિયન મિગ-29 ફાઈટર જેટને બદલવા માટે તેજસ એરક્રાફ્ટ ખરીદી રહ્યું છે. ભટ્ટે જણાવ્યું હતું કે, “એલસીએ એરક્રાફ્ટમાં રસ દર્શાવતા અન્ય દેશો આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, ઇજિપ્ત, યુએસ, ઇન્ડોનેશિયા અને ફિલિપાઇન્સ છે.”
મલેશિયાને 18 એરક્રાફ્ટ વેચવાની ઓફર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની કેન્દ્ર સરકાર વિદેશી સંરક્ષણ સાધનો પર ભારતની નિર્ભરતા ઘટાડવા આતુર છે. આ સિવાય સરકાર ભારતમાં બનેલા જેટની નિકાસ માટે પણ રાજદ્વારી પ્રયાસો કરી રહી છે. તેજસ એક ખાસ વિમાન છે. જો કે, તેની ડિઝાઇનમાં કેટલાક અન્ય પડકારો પણ છે. એક વખત ભારતીય નૌકાદળ દ્વારા ખૂબ ભારે વિમાન હોવાને કારણે તેને નકારી કાઢવામાં આવ્યું હતું. સંરક્ષણ મંત્રાલયે સંસદમાં જણાવ્યું હતું કે હિન્દુસ્તાન એરોનોટિક્સને ગયા વર્ષે ઓક્ટોબરમાં રોયલ મલેશિયન એરફોર્સ તરફથી પ્રસ્તાવ મળ્યો હતો. તેના જવાબમાં હિન્દુસ્તાન એરોનોટિક્સે તેજસના બે સીટર વર્ઝન સહિત 18 જેટ વેચાણ પર મૂક્યા હતા.
ભટ્ટે જણાવ્યું હતું કે દેશ સ્ટીલ્થ ફાઇટર જેટ બનાવવા પર પણ કામ કરી રહ્યું છે, પરંતુ રાષ્ટ્રીય સુરક્ષાની ચિંતાઓને ટાંકીને સમયરેખા આપવાનો ઇનકાર કર્યો હતો. ભારત પાસે હાલમાં રશિયા, બ્રિટન અને ફ્રાન્સનાં ફાઈટર જેટ છે. રશિયન એરક્રાફ્ટમાં મિગ અને સુખોઈનો સમાવેશ થાય છે જ્યારે જગુઆર એરક્રાફ્ટ બ્રિટન પાસેથી ખરીદવામાં આવ્યા હતા. મિરાજ અને તાજેતરમાં જ ફ્રાન્સ પાસેથી રાફેલ વિમાન ખરીદવામાં આવ્યા છે.