અઢી-અઢી વર્ષ મુખ્યમંત્રીના ફોર્મ્યુલા અંગે કોઇ સત્તાવાર એલાન નહીં
કર્ણાટકમાં કેટલાય દિવસો સુધી ચાલેલા મંથન બાદ મુખ્યમંત્રી કોણ બનશે તેનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. હવે કોંગ્રેસે કર્ણાટકના આગામી મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમારના શપથ ગ્રહણ સમારોહનો દિવસ પણ નક્કી કર્યો છે. કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે જણાવ્યું કે શપથ ગ્રહણ સમારોહ 20 મેના રોજ બપોરે 12.30 કલાકે યોજાશે. તેમણે કહ્યું કે આ દિવસે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સહિત મંત્રીમંડળના અન્ય મંત્રીઓ પણ શપથ લેશે.
કેસી વેણુગોપાલે વધુમાં જણાવ્યું કે સિદ્ધારમૈયા કર્ણાટકના નવા મુખ્યમંત્રી હશે, જ્યારે ડીકે શિવકુમાર નાયબ મુખ્યમંત્રી હશે. 13મી મેના રોજ પાર્ટીને બહુમતી મળી, 14મીએ સીએલપીની બેઠક મળી, જેમાં કોંગ્રેસ પાર્ટીએ નિરીક્ષકોની નિમણૂક કરી. તેમણે કહ્યું કે કોંગ્રેસ લોકતાંત્રિક પાર્ટી છે. અમે સર્વસંમતિમાં માનીએ છીએ, સરમુખત્યારશાહીમાં નહીં. સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમાર બંને પાર્ટી માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.
વેણુગોપાલે કર્ણાટકની જનતાનો આભાર માન્યો હતો
વેણુગોપાલે કોંગ્રેસને આ શાનદાર જીત અપાવવા બદલ કર્ણાટકની જનતાનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે “હું રાજ્યના ગરીબ મધ્યમ વર્ગના લોકોનો આભાર માનું છું કે જેઓ કોંગ્રેસ પાર્ટીની સાથે છે. અમારા વરિષ્ઠ નેતૃત્વએ આ જીત માટે ખૂબ મહેનત કરી હતી”. તેમણે કહ્યું કે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાથી શરૂ થયેલી આ જીતમાં પ્રિયંકા ગાંધીના માર્ગદર્શનની પણ મોટી ભૂમિકા રહી છે.
અઢી વર્ષની ફોર્મ્યુલાને સત્તાવાર સમર્થન મળ્યું નથી
ડીકે શિવકુમારના નજીકના લોકો દાવો કરે છે કે બંને નેતાઓને મુખ્યમંત્રી બનવા માટે અઢી વર્ષનો સમય મળશે, પરંતુ આ વાતની કોઈ પુષ્ટિ નથી. એક અહેવાલ અનુસાર, આ અંગેની ચર્ચા 2024ની રાષ્ટ્રીય ચૂંટણી સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. જોકે, સિદ્ધારમૈયાએ સત્તાની વહેંચણીની ફોર્મ્યુલાને સંપૂર્ણપણે નકારી કાઢી છે. તેણે કહ્યું કે તેની સાથે આ અંગે કંઈ થયું નથી.