શરદ પવારને ચૂંટણી પંચ તરફથી મોટો ઝટકો લાગ્યો છે,શરદ પવાર અને અજિત જૂથ વચ્ચે છ મહિનાથી વધુ સમયથી ચાલી રહેલ વિવાદનો ગઈકાલે મંગળવારે અંત આવ્યો છે જેમાં કમિશને અજીતના જૂથને વાસ્તવિક રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) ગણાવી છે.

પંચનું કહેવું છે કે લગભગ છ મહિનામાં આ મામલામાં 10થી વધુ સુનાવણી બાદ તમામ પાસાઓને ધ્યાનમાં લઈને એ નક્કી કરવામાં આવ્યું છે કે અજીત જૂથ જ અસલી NCP છે.
પંચે પોતાના નિર્ણયમાં એમ પણ કહ્યું છે કે અજીત જૂથને NCPના નામ અને ચૂંટણી ચિન્હનો ઉપયોગ કરવાનો સંપૂર્ણ અધિકાર છે.

આ બંને અજિત જૂથને આપવામાં આવ્યા છે,જો કે, પંચે શરદ પવારને કહ્યું છે કે તેઓ તેમની નવી પાર્ટી બનાવવા માટે પંચને કોઈપણ ત્રણ નામ આપી શકે છે.

આ માટે પંચે શરદ પવાર જૂથને આજે બુધવારે સાંજે 4 વાગ્યા સુધીનો સમય આપ્યો છે.

જોકે, શરદ પવાર જૂથે ચૂંટણી પંચના આ નિર્ણયની ટીકા કરી છે અને કહ્યું કે તેઓ પંચના આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારશે.

એનસીપીના કાર્યકારી અધ્યક્ષ સુપ્રિયા સુલેએ કહ્યું કે આ લોકશાહીની હત્યા છે, કારણ કે ચૂંટણી પંચે ધારાસભ્યોની સંખ્યાના આધારે પોતાનો નિર્ણય આપ્યો છે, પરંતુ તેની પાછળ ‘અદૃશ્ય શક્તિ’ની હાજરી છે.

સુપ્રિયા સુલેએ કહ્યું કે ચૂંટણી પંચના નિર્ણયથી અમને જરા પણ આશ્ચર્ય થયું નથી,તેણે અન્યાયી રીતે તેના સ્થાપક (શરદ પવાર) પાસેથી પાર્ટી (NCP) છીનવી લીધી છે.
ન્યાય મેળવવા માટે અમે ECIના નિર્ણયને પૂરી તાકાત સાથે સુપ્રીમ કોર્ટમાં પડકારીશું.
મહારાષ્ટ્ર એનસીપી-એસપીના પ્રમુખ જયંત પાટીલે કહ્યું કે પાર્ટી બુધવારે સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી પંચના નિર્ણયને પડકારશે.

શરદ પવાર જૂથના ધારાસભ્ય અને પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ જિતેન્દ્ર આવ્હાડે અજિત પવારને પડકાર ફેંક્યો છે કે તેઓ હિંમત હોય તો પોતાની પાર્ટી બનાવે અને ચૂંટણી લડે. અજીત અને શરદ પવાર જૂથ વચ્ચે ચૂંટણી પંચમાં યોગ્યતા અને ગેરલાયકાતને લઈને લડાઈ ચાલી રહી છે. અજીત જૂથ વતી ચૂંટણી પંચમાં દાખલ કરવામાં આવેલા સોગંદનામામાં શરદ પવાર પર સરમુખત્યાર હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. એવું કહેવામાં આવ્યું છે કે શરદ કોઈનું સાંભળતા નથી અને તમામ નિર્ણયો એકલા જ લે છે.