લોકસભાના ભૂતપૂર્વ સ્પીકર અને અવિભાજિત શિવસેનાના પ્રથમ મુખ્યમંત્રી 86 વર્ષીય મનોહર જોશીનું આજે શુક્રવારે વહેલી સવારે મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં નિધન થયું હતું. હૃદયરોગના હુમલો આવતા તેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા.
બાળા સાહેબ ઠાકરેની નજીક હતા અને શિવસેનાની રચનામાં તેઓની મહત્વની ભૂમિકા ભજવી હતી.
જો કે, મનોહર જોશીએ જાહેરમાં ઉદ્ધવ ઠાકરેની ટીકા કરી હતી, ત્યારબાદ તેઓ શિવસેનાના રાજકારણમાં હાંસિયામાં ધકેલાઈ ગયા હતા.
મનોહર જોશીનો જન્મ 2 ડિસેમ્બર, 1937ના રોજ મહારાષ્ટ્રના દરિયાકાંઠાના કોંકણ વિસ્તારમાં થયો હતો,તેમણે મુંબઈની પ્રતિષ્ઠિત વીરમાતા જીજાબાઈ ટેક્નોલોજીકલ ઈન્સ્ટિટ્યૂટમાંથી સિવિલ એન્જિનિયરિંગમાં સ્નાતકની ડિગ્રી મેળવી હતી.
મનોહર જોશીના પત્ની અનગા જોશી હતા, જેનું 75 વર્ષની વયે વર્ષ 2020માં અવસાન થયું હતું. મનોહર જોષીના પરિવારમાં એક પુત્ર અને બે પુત્રી છે.
મનોહર જોશીની રાજકીય કારકિર્દી આરએસએસથી શરૂ થઈ હતી,પરંતુ બાદમાં તેઓ શિવસેનામાં જોડાયા હતા.
મનોહર જોશી 1980ના દાયકામાં શિવસેનાના શક્તિશાળી નેતાઓમાંના એક તરીકે ઉભરી આવ્યા હતા અને પાર્ટી સંગઠન પર તેમની પકડ માટે જાણીતા હતા. મનોહર જોશી 1995-1999 સુધી અવિભાજિત શિવસેનાના પ્રથમ મુખ્યમંત્રી હતા.
તેઓ અટલ બિહારી વાજપેયીની સરકારમાં 2002 થી 2004 સુધી લોકસભાના સ્પીકર પણ હતા. મનોહર જોશીએ વર્ષ 1967 માં શિક્ષક તરીકે તેમની વ્યાવસાયિક કારકિર્દીની શરૂઆત કરી હતી. આ પછી, તેઓ 1968-70 સુધી મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના કાઉન્સિલર હતા અને બાદમાં મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ પણ હતા. મનોહર જોશી 1976-77 દરમિયાન મુંબઈના મેયર પણ હતા. મનોહર જોશી 1972માં મહારાષ્ટ્ર લેજિસ્લેટિવ કાઉન્સિલના સભ્ય તરીકે ચૂંટાયા હતા અને ત્રણ ટર્મ સુધી સભ્ય રહ્યા હતા. વર્ષ 1990 માં, મનોહર જોશી મહારાષ્ટ્ર વિધાનસભાના સભ્ય તરીકે ચૂંટાયા હતા અને આ સમયગાળા દરમિયાન તેઓ વિરોધ પક્ષના નેતા પણ હતા.
આમ,ભૂતપૂર્વ લોકસભા અધ્યક્ષ અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન મનોહર જોશીએ આજે (23 ફેબ્રુઆરી) દુનિયાને અલવિદા કરી દીધું.
તેઓને તા. 21 ફેબ્રુઆરીના રોજ હાર્ટ એટેકનો હુમલો આવતા મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં આજે વહેલી સવારે 3 વાગ્યે તેમનું નિધન થયું હતું.