વિધાનસભા સ્પીકર ચૂંટણીમાં બહુમતીનો આંકડો પાર કર્યો , વિધાનસભામાં સૌથી વધુ મત મેળવનાર ભાજપ દ્વારા રાહુલ નાર્વેકરને સ્પીકર પદના ઉમેદવાર બનાવવામાં આવ્યા હતા
Maharashtra Assembly અધ્યક્ષની ચૂંટણી જીતવા માટે 145 મતોની જરૂર હતી. Rahul Narvekarને 164 વોટ મળ્યા છે, જે જીતવા માટે જરૂરી 145 વોટ કરતા 19 વધુ છે.
મહારાષ્ટ્ર વિધાનસભા (Maharashtra Assembly)માં આજે અધ્યક્ષ (Speaker)ની પસંદગી કરવામાં આવી છે. BJPના ઉમેદવાર રાહુલ નાર્વેકર (Rahul Narvekar)ની જીત થઈ છે. રાહુલને સમર્થનમાં 164 વોટ મળ્યા જ્યારે તેમને જીતવા માટે 145 વોટની જરૂર હતી. રાહુલ રાજકીય પરિવાર સાથે સંબંધ ધરાવે છે. તેઓ મહારાષ્ટ્રની કોલાબા વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય છે. ઉદ્ધવ ઠાકરે સામે બળવો કરીને મરાઠી રાજકારણમાં હલચલ મચાવનાર મુખ્યમંત્રી એકનાથ શિંદેનું પ્રથમ શક્તિ પ્રદર્શન થયું હતુ. ડેપ્યુટી સ્પીકર નરહરિ જીરવાલ સ્પીકર પદ માટે મતદાન કરાવ્યું હતુ.
મહારાષ્ટ્ર વિધાનસભાના નવા ચૂંટાયેલા સ્પીકર રાહુલ નાર્વેકરને ભાજપે પોતાના ઉમેદવાર બનાવ્યા હતા. તેમનો મુકાબલો મહા વિકાસ અઘાડીના રાજન સાલ્વી સામે હતો. તમને જણાવી દઈએ કે રાહુલ નાર્વેકર મહારાષ્ટ્રના રાજકારણનો જાણીતો ચહેરો છે. રાહુલ નાર્વેકર વ્યવસાયે વકીલ છે. 2019માં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં રાહુલ પહેલીવાર ધારાસભ્ય બન્યા છે.
રાહુલના પિતા કાઉન્સિલર રહી ચૂક્યા છે
રાહુલ નાર્વેકર શિવસેના અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી સાથે પણ જોડાયેલા હતા. રાહુલ શિવસેના યુથ વિંગના પ્રવક્તા પણ રહી ચૂક્યા છે. રાહુલ નાર્વેકર રાજકીય પરિવાર સાથે સંબંધ ધરાવે છે. રાહુલના પિતા સુરેશ નાર્વેકર કાઉન્સિલર રહી ચૂક્યા છે. 2014માં રાહુલ નાર્વેકર શિવસેનામાં હતા. તે દરમિયાન તેઓ લોકસભાની ચૂંટણી લડવાનો દાવો રજૂ કરી રહ્યા હતા પરંતુ તેમને ટિકિટ મળી ન હતી. શિવસેનાએ ટિકિટ માટે ઇનકાર કર્યા બાદ રાહુલ નાર્વેકર રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)માં જોડાયા હતા. એનસીપીએ માવલ લોકસભા સીટ પરથી રાહુલ નાર્વેકરને મેદાનમાં ઉતાર્યા હતા પરંતુ રાહુલને હારનો સામનો કરવો પડ્યો હતો. બાદમાં રાહુલ ભાજપમાં જોડાયા હતા.
અગાઉની MVA સરકારમાં સ્પીકરની ખુરશી ખાલી હતી
જણાવી દઈએ કે ગત મહા વિકાસ અઘાડી સરકારમાં કોંગ્રેસના નેતા નાના પટોલેના રાજીનામા બાદ ફેબ્રુઆરી 2021થી મહારાષ્ટ્ર વિધાનસભા અધ્યક્ષનું પદ ખાલી હતું. મહારાષ્ટ્રમાં સરકાર બદલાયા બાદ એકનાથ શિંદેએ મુખ્યમંત્રી પદના શપથ લીધા છે. આજથી વિધાનસભાનું સત્ર શરૂ થયું છે. વિધાનસભાના અધ્યક્ષની ચૂંટણી બાદ હવે સોમવારે ફ્લોર ટેસ્ટ યોજાનાર છે.