પાકિસ્તાન મુસ્લિમ લીગ (એન)ના વરિષ્ઠ નેતા શહેબાઝ શરીફ ફરી એકવાર પાકિસ્તાનના વડાપ્રધાન બન્યા છે.
આજે રવિવારે (3 માર્ચ 2024) મતદાન બાદ તેઓ પીએમ તરીકે ચૂંટાયા હતા.
મહત્વનું છે કે શાહબાઝ શરીફે શનિવારે (2 માર્ચ) વડાપ્રધાન પદ માટે નામાંકન ભર્યું હતું,તેમની સામે ઈમરાન ખાનની પાર્ટી પીટીઆઈના નેતા ઓમર અયુબ ખાને પીએમ પદ માટે ઉમેદવારી નોંધાવી હતી.

દરમિયાન, આજે રવિવારે પાકિસ્તાની સંસદમાં પીએમની ચૂંટણી માટે થયેલા મતદાન દરમિયાન, શાહબાઝે તેમના હરીફ સામે 100 થી વધુ મતોની લીડ સાથે જીત મેળવી હતી.
શેહબાઝ શરીફને કુલ 201 વોટ મળ્યા જ્યારે પીટીઆઈના ઓમર અયુબ ખાનને 92 વોટ મળતા પાકિસ્તાનના નવા વડાપ્રધાન તરીકે શાહબાઝ શરીફના નામની જાહેરાત કરવામાં આવી હતી.
હવે, શાહબાઝ શરીફ સોમવારે વડાપ્રધાન પદના શપથ લેશે.

પાકિસ્તાનમાં તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં કોઈપણ પક્ષને સ્પષ્ટ બહુમતી મળી નથી.
આ પછી નવાઝ શરીફની પાર્ટી PML-N એ PPP અને MQM સાથે ગઠબંધન કરીને સરકાર બનાવવાનો નિર્ણય લીધો હતો.
શહેબાઝ શરીફ પાકિસ્તાનના પૂર્વ પીએમ નવાઝ શરીફના નાના ભાઈ છે. તેમણે પાર્ટી વતી પીએમ માટે નોમિનેશન ભર્યું હતું.
શાહબાઝ શરીફ અગાઉ એપ્રિલ 2022થી ઓગસ્ટ 2023 સુધી પાકિસ્તાનના વડાપ્રધાન રહી ચૂક્યા છે. તે સમયે પણ તેમણે પીપીપી સાથે સરકાર બનાવી હતી.

તમને જણાવી દઈએ કે પાકિસ્તાનમાં 8 ફેબ્રુઆરીએ સામાન્ય ચૂંટણી યોજાઈ હતી.
જેમાં PML-Nએ 75 બેઠકો પર જીત મેળવી હતી, જ્યારે જેલમાં બંધ ઈમરાન ખાનની પાર્ટી દ્વારા સમર્થિત અપક્ષ ઉમેદવારોએ 90થી વધુ બેઠકો પર જીત મેળવી હતી,પીપીપીએ 54 બેઠકો જીતી હતી