દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ આજરોજ દિલ્હીમાં ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીના નિવાસસ્થાને જઈ તેઓને ભારત રત્નથી સમ્માનિત કર્યા હતા. આ પ્રસંગે PM નરેન્દ્રભાઈ મોદી, ઉપ રાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, પૂર્વ ઉપરાષ્ટ્રપતિ એમ.વેકૈયા નાયડૂ પણ ઉપસ્થિત રહ્યા હતા.
અત્રે નોંધનીય છે કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગતરોજ શનિવાર (30 માર્ચ, 2024)ના રોજ ચાર વિભૂતિઓને મરણોપરાંત દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ‘ભારત રત્ન’થી સન્માનિત કર્યા હતા.
આ સન્માન મેળવનાર વ્યક્તિઓમાં પૂર્વ વડાપ્રધાન ચૌધરી ચરણ સિંઘ, પૂર્વ વડાપ્રધાન પીવી નરસિમ્હા રાવ, બિહારના પૂર્વ મુખ્યમંત્રી કર્પૂરી ઠાકુર અને કૃષિ ક્ષેત્રે હરિયાળી ક્રાંતિના જનક વૈજ્ઞાનિક એમએસ સ્વામીનાથનનો સમાવેશ થાય છે. આ તમામને મરણોપરાંત ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા બાદ આજે ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીને પણ ભારત રત્ન અર્પણ કરવામાં આવ્યો હતો.