Bihar Seat Sharing : LJPના ચિરાગ પાસવાનને પણ લોટરી લાગી, પાંચ સીટ પર લડશે ચૂંટણી, કાકા પશુપતિનાથ પારસને હાથ લાગી નિરાશા

માંઝીની પાર્ટી હિન્દુસ્તાની આવામ મોરચા (HAM)ને 1 સીટ અને ઉપેન્દ્ર કુશવાહાની પાર્ટીને 1 સીટ મળી

બિહારમાં લોકસભા ચૂંટણી માટે NDAમાં સીટોની વહેંચણી કરવામાં આવી છે. ચિરાગ પાસવાનની લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ) પાંચ બેઠકો પર ચૂંટણી લડશે. બીજેપીના બિહાર પ્રભારી વિનોદ તાવડેએ NDA નેતાઓ સાથે પ્રેસ કોન્ફરન્સ કરી અને NDA ગઠબંધનની તમામ સીટોની જાહેરાત કરી. તેમણે કહ્યું કે ફોર્મ્યુલા પર ચર્ચા થઈ છે અને એનડીએ ગઠબંધનમાં સામેલ તમામ પક્ષોએ તેનો સ્વીકાર કર્યો છે.

જે ફોર્મ્યુલા નક્કી કરવામાં આવી છે તે મુજબ ભાજપ 17 સીટો પર ચૂંટણી લડશે જ્યારે જેડીયુ 16 સીટો પર ચૂંટણી લડશે. ચિરાગ પાસવાનની પાર્ટીને 5 સીટ, માંઝીની પાર્ટી હિન્દુસ્તાની આવામ મોરચા (HAM)ને 1 સીટ અને ઉપેન્દ્ર કુશવાહાની પાર્ટીને 1 સીટ આપવામાં આવી છે. નોંધનીય બાબત એ છે કે પશુપતિ પારસની લોક જન શક્તિ પાર્ટીને આમાં એક પણ બેઠક મળી નથી. થોડા દિવસો પહેલા પારસે બળવાનો ઈશારો કર્યો હતો અને કહ્યું હતું કે તેની પાસે વિકલ્પો ખુલ્લા છે.

ભાજપ આ બેઠકો પર ચૂંટણી લડશે
પશ્ચિમ ચંપારણ, પૂર્વ ચંપારણ, ઔરંગાબાદ, મધુબની, દરભંગા, મુઝફ્ફરપુર, મહારાજગંજ, સારણ, ઉજિયારપુર, બેગુસરાઈ, નવાદા, પટના સાહિબ, પાટલીપુત્ર, અરરાહ, બક્સુર, સાસારામ અને અરરિયા.

આ બેઠકો જેડીયુના ખાતામાં આવી
બાલ્મિકી નગર, સીતામઢી, ઝાંઝરપુર, સુપૌલ, કિશનગંજ, કટિહાર, પૂર્ણિયા, મધેપુરા, ગોપાલગંજ, સિવાન, ભાગલપુર, બાંકા, મુંગેર, નાલંદા, જહાનાબાદ અને શિવહર.

ચિરાગ પાસવાન પાંચ બેઠકો પર ચૂંટણી લડશે
વૈશાલી, હાજીપુર, સમસ્તીપુર, ખાગરિયા અને જમુઈ.

જીતન રામ માંઝીની પાર્ટી ગયા બેઠક પરથી ચૂંટણી લડશે. તેવી જ રીતે ઉપેન્દ્ર કુશવાહાની પાર્ટી કરકટ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડશે. ચિરાગ પાસવાનની પાર્ટીના નેતા રાજુ તિવારીએ કહ્યું, ‘ભાજપની ટોચની નેતાગીરી સાથેની વાતચીત બાદ અમને પાંચ બેઠકો મળી છે. હું ખાતરી આપવા માંગુ છું કે અમે માત્ર પાંચેય બેઠકો જ નહીં પરંતુ બિહારની તમામ 40 બેઠકો જીતીશું.

આ દરમિયાન હાજર રહેલા જેડીયુ નેતા સંજય ઝાએ કહ્યું કે બિહારમાં આ વખતે એકતરફી ચૂંટણી છે અને એનડીએ તમામ 40 સીટો જીતશે. આ દરમિયાન રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને ભાજપના નેતા સમ્રાટ ચૌધરીએ કહ્યું કે બિહારમાં 40 સીટો જીતવાનું લક્ષ્ય છે. છેલ્લા ત્રણ ઘટક પક્ષો સિવાય જીતનરામ માંઝી અને કુશવાહા જીની આરએલએમ પણ એનડીએમાં છે.