ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ અને અમદાવાદ પોલીસના ઉપક્રમે યોજાયેલા કાર્યક્રમમાં સદગુરૂએ આપી હાજરી
અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ, વિકાસ સહાય, (DG પોલીસ ટ્રેનિંગ) સહિત અમદાવાદના પોલીસ અધિકારીઓ રહ્યા ઉપસ્થિત
કેતન જોષી નમસ્કાર ગુજરાત ન્યૂઝ
70 દિવસથી પણ વધુની ભૂમિ યાત્રા પછી, યુરોપ અને મધ્ય-પૂર્વમાં થઈને, સદગુરુ ‘સેવ ધ સોઈલ’ (#SaveSoil) યાત્રાના છેલ્લા ભાગમાં અમદાવાદ આવી પહોંચ્યાં હતાં., ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ અને અમદાવાદ પોલીસના ઉપક્રમે પંડિત દીનદયાલ ઓડિટોરિયમમાં આયોજિત કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી તથા ડીજીપી આશિષ ભાટિયાએ સમગ્ર કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ ઉપરાંત રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીએ પણ ઉપસ્થિત રહીને સદગુરૂનું સન્માન કર્યું હતું.
26 દેશોમાં 30 હજાર કિમીની યાત્રા બાઇક પર કરી ચુક્યા છે સદગુરુ
‘માટી બચાવો’ (#SaveSoil) સદગુરુ દ્વારા ચલાવવામાં આવતી આવી જ એક ચળવળ છે જેનો હેતુ લોકોને માટીના વિનાશ તરફ નક્કર અને સભાન પગલાં ભરવા માટે પ્રેરિત કરવાનો છે. જર્ની ટુ સેવ ધ સોઈલ સદગુરુએ યુનાઈટેડ કિંગડમથી લઈને ભારત સુધીના 26 દેશોમાં મોટરબાઈક પર 30,000 કિલોમીટરનું અંતર કાપ્યું છે.
આજે જમીનનું જતન નહીં કરીએ તો ખોરાક માટે ધરતી નાશ પામશે – સદગુરુ
માટી આપણા જીવનનો આધાર છે. પરંતુ કૃષિ, વનનાબૂદી અને અન્ય ઘણા કારણોને લીધે, ટોચની જમીન ખૂબ જ ઝડપથી ક્ષીણ થઈ રહી છે અને નાશ પામી રહી છે. વૈશ્વિક સ્તરે, 52% ખેતીની જમીન પહેલેથી જ ક્ષીણ થઈ ગઈ છે. પૃથ્વી મુશ્કેલીમાં છે અને જો આ જ ઝડપે માટીનું ક્ષય થતું રહેશે તો આ પૃથ્વી પરનું જીવન સમાપ્ત થઈ જશે. અમુક અંશે લગભગ દરેક મોટી પર્યાવરણીય કટોકટી, જમીનની ગુણવત્તામાં બગાડનું પરિણામ અથવા લક્ષણ છે. એ જ રીતે, જમીનને સ્વસ્થ બનાવીને પર્યાવરણને લગતી લગભગ દરેક સમસ્યાનો ઉકેલ લાવી શકાય છે.
એક પાસાને બાકીના કરતા અલગ ગણવું ખોટું – સદગુરુ
આ પ્રસંગે સદગુરૂએ લોકોની સાથે ખુલા મંચ પર ચર્ચા પણ કરી હતી. તેમણે કહ્યું હતું કે તે ખરેખર એક ભ્રમણા છે કે આપણે આપણા પર્યાવરણના એક પાસા સાથે સંબંધિત સમસ્યાઓને અન્ય પાસાઓથી અલગ વિચારીને હલ કરી શકીએ છીએ. કારણ કે પર્યાવરણીય પ્રણાલીનું કોઈપણ પાસું અન્ય પાસાઓથી અલગ કામ કરતું નથી. જ્યાં સુધી આપણે જાણતા નથી કે દરેક જીવ એકબીજા સાથે જોડાયેલો છે, દરેકનું જીવન પરસ્પર એકતામાં ચાલી રહ્યું છે ત્યાં સુધી કોઈ ઉકેલ પૂર્ણ થશે નહીં. ઘણી રીતે, માટી એ મંચ છે જેના પર જીવન ખીલે છે અને જો આપણે માટીને બગાડીએ છીએ, તો આપણી પાસે જીવનના દરેક પાસાઓને સાજા કરવાની શ્રેષ્ઠ તક છે જ. પરંતું જો આજે સેવ સોઇલમાં આગળ ના આવ્યા તો સમય જતાં ઘણું મોડું થઇ જશે.
યુનાઈટેડ નેશન્સના ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશન (FAO) એ ચેતવણી આપી છે કે વિશ્વની વસ્તી 9 અબજને વટાવી ગઈ હોવા છતાં 2045 સુધીમાં ડેઝર્ટેશનને કારણે ખાદ્ય ઉત્પાદનમાં 40% ઘટાડો થઈ શકે છે. આ કટોકટીની અસર – ઓછામાં ઓછું કહીએ તો – ખાદ્ય સુરક્ષાને જોખમમાં મૂકી શકે છે જે આપણી ભાવિ માટે જોખમ ઊભું કરી શકે છે.
જમીન બચાવો અભિયાન અંતર્ગત સેવ સોઈલ કેમ્પેઇન સાથે ગુજરાત સરકાર કરશે MOU
ગુજરાત સરકાર (Gujarat Government) અને ઇશા ફાઉન્ડેશન (Isha Foundation)ના સદગુરુ જગ્ગી વાસુદેવ વચ્ચે જમીન બચાવો અભિયાન (Save Soil Campaign) માટે MOU કરવામાં આવશે. ગાંધીનગરમાં મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ અને સદગુરુ જગ્ગી વાસુદેવની ઉપસ્થિતિમાં આ MOU થશે. જમીન બચાવો અભિયાન માટે MOU કરનાર ગુજરાત દેશનું પહેલું રાજ્ય બનશે. ગુજરાત સરકારના મંત્રી વિનુ મોરડીયાએ આ જાણકારી આપી છે.