છાશવારે થતાં હુમલાઓને લઈને ભારતીય નાગરિકોમાં સર્વધર્મ સમભાવના વધે તેવા હેતુ સાથે યાત્રાનું આયોજન
- યાત્રા ૨૧મી તારીખે સવારે ૧૧ વાગે રોઝેલા પાર્કથી શરુ કરીને જ્યુબિલિ પાર્ક સુધી પહોંચશે
- ઇન્ડિયન કોમ્યુનિટી ફોરમ દ્વારા સદભાવના યાત્રાનું આયોજન
ઓસ્ટ્રેલિયા જેવો દેશ કે જ્યાં હંમેશાથી બહુસાંસ્કૃતિકવાદને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે એમાં તાજેતરમાં બનેલી શરમજનક ઘટનાઓએ આ દેશમાં રહેતા તમામ ભારતીયોને વિચારતા કરી મૂક્યાં છે અને બહુ મોટી સંખ્યામાં લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે જે ગમે ત્યારે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી શકે એમ છે. એવામાં ફરી એક વાર સામાન્ય જનસમુદાયમાં સર્વધર્મ સમભાવ, શાંતિ અને એકતા સ્થપાય તથાં વર્તમાન યુગમાં લોકોનાં માનસપટ પરથી ધીમે ધીમે ભૂંસાઈ રહેલા આદર્શોને ફરીથી જાગૃત કરી શકાય એ માટેનાં પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.
ઈન્ડિયન સપોર્ટ સેન્ટર નામની બિનલાભકારી સંસ્થાનાં પ્રમુખ શ્રી સુબ્બા રાવ સાથે મળીને આ સંસ્થાની અંતર્ગત ઈન્ડિયન કૉમ્યૂનિટી ફોરમ સમિતિ રચવામાં આવી છે અને આ આખીય વિચારધારા પર આ ફોરમનાં ચેર પર્સન શ્રી પરાગ શાહનાં નેતૃત્વ હેઠળ અમલ મુકવામાં આવી રહ્યો છે જેને લિટ્ટલ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા નામની બિનલાભકારી સંસ્થાનાં પ્રમુખ શ્રી ગુરમીત તુલીએ મજબૂત સમર્થન આપ્યું છે જયારે આ સંસ્થાનાં કલ્ચરલ ડાયરેક્ટર શ્રી વૈભવી જોશીનો આ વિચારધારાને બહોળા જનસમુદાય સુધી પહોંચાડવામાં મુખ્ય ફાળો રહ્યો.
૨૦૨૩નાં વર્ષમાં છાશવારે થતાં હુમલાઓને લઈને અહીંની ભારતીય પ્રજામાં તીવ્ર આક્રોશની લાગણી પ્રવર્તી રહી છે જેનું મુખ્ય કારણ તાજેતરમાં જ પશ્ચિમી સિડનીનાં રોઝહીલ ઉપનગરમાં આવેલા BAPS સ્વામિનાયણ મંદિર પર ખાલિસ્તાન સમર્થકો દ્વારા કરવામાં આવેલો હુમલો અને તોડફોડ માનવામાં આવી રહ્યું છે. આટલું જ નહીં, મંદિરની દીવાલો પર સૂત્રો પણ લખવામાં આવ્યાં હતાં અને આ ઉપદ્રવીઓએ મંદિરનાં મુખ્ય ગેટ પર ખાલિસ્તાની ઝંડો પણ લટકાવી દીધો હતો.
૨-૩ મહિના અગાઉ બ્રિસબેનનાં લક્ષ્મી નારાયણ મંદિરમાં પણ તોડફોડ કરાઈ હતી, ઉપરાંત બ્રિસ્બેનના ગાયત્રી માતાનાં મંદિરનાં પૂજારીને મહાશિવરાત્રીની ઉજવણી ન કરવા ચેતવણી પણ આપવામાં આવી હતી. ત્યારબાદ મેલબોર્નનાં કાલી માતા મંદિરમાં ભજન કાર્યક્રમ યોજવા સામે પણ ચેતવણી અપાઈ હતી. એટલું જ નહિ વર્ષની શરૂઆતમાં ત્રણ હિંદુ મંદિરોમાં તોડફોડ કરાઈ હતી. પહેલો હુમલો મેલબોર્નનાં સ્વામિનારાયણ મંદિરમાં થયો હતો. આ પછીનો હુમલો મેલબોર્નનાં કેરમ ડાઉન્સમાં સ્થિત ઐતિહાસિક શ્રી શિવ વિષ્ણુ મંદિર પર થયો હતો. ત્યાર પછીનો હુમલો મેલબોર્નનાં આલ્બર્ટ પાર્ક વિસ્તારમાં સ્થિત શ્રી રાધા વલ્લભ મંદિરમાં થયો હતો. આ મંદિરને ઈસ્કોન મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે. આ તમામ હુમલાઓ અને મંદિરમાં તોડફોડ કાર્ય પછી મંદિરની દીવાલો પર રાષ્ટ્રવિરોધી અને ખાલિસ્તાન તરફી સૂત્રોચ્ચાર લખાયાં હતાં.
આવા વાતાવરણમાં ફરી એકવાર સર્વધર્મ સમભાવ ને ભાઈચારાની સ્થાપના સ્થપાય એ આશયથી હૅરિસ પાર્ક નામનાં ઉપનગરમાં આ સદભાવના યાત્રા કાઢવાનું આયોજન કરવામાં આવ્યું છે. ભારતનાં માનનીય પ્રધાનમંત્રી જયારે ગુજરાતનાં મુખ્યમંત્રી હતાં ત્યારે એમણે સદભાવના યાત્રા આરંભ કરેલી જે એમણે બહોળા સમુદાય સાથે જોડવામાં સફળ રહી અને એના ઉપરથી પ્રેરણા લઈને શ્રી પરાગ શાહે આ યાત્રા કરવાનું નક્કી કર્યું છે. આ યાત્રા ૨૧મી તારીખે સવારે ૧૧ વાગે રોઝેલા પાર્કથી શરુ કરીને જ્યુબિલિ પાર્ક સુધી પહોંચશે જ્યાં ગાંધીજીનું પૂતળું સ્થાપિત છે.
આખીય યાત્રા દરમ્યાન રઘુપતિ રાઘવ રાજારામ.. કે વૈષ્ણ્વજન તો તેને કહીયે રે.. જેવા ભજનો ખાસ બાળકો દ્વારાં ગવાશે જેમાં યુવાવર્ગથી માંડીને મોટેરાંઓ, મહિલાઓ અને સમાજનાં અગ્રગણ્ય લોકો હાજરી આપશે. આ વાતને સમર્થન આપવા સ્થાનિક રાજકારણીઓ પણ આમાં ભાગ લેશે. એ સિવાય અહીંની ઘણી બધી બિનલાભકારી સંસ્થાઓ અને ધંધાદારીઓ પણ આ વાતને સમર્થન આપવા મોટી સંખ્યામાં હાજર રહેશે. ખાસ તો આ યાત્રામાં જોડાનારા લોકો પ્રતીકાત્મક ઉપવાસ પણ રાખશે અને યાત્રાની સમાપ્તિ અર્થે ગાંધીજીનાં પૂતળાને ફૂલો અર્પણ કરશે.
આ આખીય સદભાવના યાત્રા સામંજસ્યપૂર્ણ માહોલમાં શાંતિપૂર્વક પૂર્ણ થાય એ માટે સમગ્ર જનસમુદાયને આમાં જોડવાનું ભગીરથ કાર્ય પરાગ શાહ કરી રહ્યા છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લેતા આ અત્યંત જરૂરી, સરાહનીય અને આવકારદાયક પગલું છે.