હાલમાં ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર રશિયાના પ્રવાસે છે.
જ્યાં તેઓ રશિયાના રાષ્ટ્રપતિ ભવન ક્રેમલિનમાં પુતિનને મળ્યા હતા.
આ દરમિયાન રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને આવતા વર્ષે યોજાનારી લોકસભા ચૂંટણીનો ઉલ્લેખ કરતા પીએમ મોદીને ચૂંટણી જીતવાની શુભેચ્છા પાઠવી હતી.
તેમણે કહ્યું કે હું મારા મિત્રને સફળતાની શુભેચ્છા પાઠવું છું.
આ સિવાય તેમણે કહ્યું કે ભારત અને રશિયા વચ્ચે રાજકીય દળોના ગઠબંધનને ધ્યાનમાં લીધા વગર સબંધો હંમેશા જળવાઈ રહેશે.
એસ જયશંકર સાથેની મુલાકાત દરમિયાન રશિયાના રાષ્ટ્રપતિએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રશિયા આવવાનું આમંત્રણ પણ આપ્યું હતું. તેમણે કહ્યું કે મેં યુક્રેન મામલે વડાપ્રધાન મોદી સાથે વાત કરી છે. અમે એ પણ જાણીએ છીએ કે પીએમ મોદી તેમના શ્રેષ્ઠ પ્રયાસો કરવા તૈયાર છે જેથી રશિયા-યુક્રેન મુદ્દાને શાંતિપૂર્ણ માધ્યમથી ઉકેલી શકાય. તેમણે (મોદી) સંકેત આપ્યો કે ભારત હંમેશા રશિયા સાથે યુક્રેન મુદ્દે ચર્ચા કરવા તૈયાર રહેશે.
પ્રેસ કોન્ફરન્સમાં જયશંકરે કહ્યું કે તેમને વિશ્વાસ છે કે વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ પુતિન આવતા વર્ષે વાર્ષિક સમિટમાં મળશે.